આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૩
પ્રાર્થના.

કહ્યું તેવી રીતે એક રીતે ઉપયોગની જણાતી નથી. અને જેવી પ્રાર્થના ઉપયોગ વિનાની જણાય છે, તેવાંજ જપ તપ સ્નાન સંધ્યા પણ જણાય. પણ જ્યારે એમ જાણીએ કે પરમાત્મા તો કેવલ જ્ઞાનરૂપે છે, ને વસ્તુ માત્રમાં, જેને આપણે ખાલી જગો કહીએ છીએ તે સુધાંતમાં પણ, ભરપૂર રહેલો છે, ત્યારે તે આત્માને સમજી અનુભવવામાંજ બધાં કર્મ, બધી પ્રાર્થના, બધાં જ૫, સ્નાન, સંધ્યા, સર્વનો સમાસ થઈ જાય છે. પણ એમ સમજ્યા પછી જે જે કામ થાય છે તેને હેતુ સ્તુતિ કરવાનો નથી હોતો, ઉપકાર માનવાનો નથી હોતો, દુઃખ લેઈ લેવરાવવાનું નથી હોતો, પણ આત્મા જે જ્ઞાનમય, એકરસ, આનંદમય, અને નિત્ય છે, તેવા જ્ઞાનમય એકરસ, આનંદમય, અને નિત્ય થવા પ્રયત્ન કરવો એવો હોય છે.

ત્યારે તો એવો પ્રશ્ન ઉભો થાય છે કે આત્મા બધે છે, ને તે પોતે જ્ઞાન આનંદમય છે, ત્યારે કોઈ વસ્તુ આત્મા વિનાની તો છેજ નહિ, અને તેથી કોઈ વસ્તુ જ્ઞાન ને આનંદ વિનાની એટલે અજ્ઞાન કે દુઃખ રુ૫ જણાવીજ ન જોઈએ; છતાં બધો સંસાર દુઃખ ને અજ્ઞાનનો ભંડારજ જણાય છે એ શું? આગળ પુનર્જન્મના પાઠમાં એમ કહ્યું છે કે અંતઃકરણ એવું કાંઈક જડ અને ચેતનના સંબંધમાંથી પેદા થાય છે, ને એ અંતકરણના મન અને બુદ્ધિ એવા ભેદ છે. જડ એ જે કહ્યું તે ચેતન ભેગુંજ રહે છે; ચેતન વિના તેણે જાણી શકાયજ નહિ ને “તે છે” એવું લાગેજ નહિ. જડ ને ચેતનનો સંબંધ ધર્મ વિષેના બીજા પાઠમાં કહ્યો છે તે પ્રમાણે બધું આત્મામય તો છેજ, પણ તેમાં અંતઃકરણ પેદા થાય છે, એ અંતઃકરણમાં જે મન છે તેજ ભાતભાતના પદાર્થ જુએ છે, ભોગવે છે, નવા નવા ઉપજાવે છે, ને એમ પોતાને અનુકુલ હોય તેમાં સુખ કે રાગ માને છે, ને પ્રતિકૂલ હોય તેમાં દુઃખ કે દ્વેષ ધરે છે. મનનો ધર્મજ કલ્પના કરવાનો છે, ને જે જે વસ્તુ આપણે જોઈએ તે વસ્તુ ઉપર, આંખને દ્વારે થઇને મન ચોંટે છે. મન પોતે એ વસ્તુનું જ રૂપ ધારણ કરે છે ને એમ તે વસ્તુ આપણે જાણી એમ કહેવાય છે. એટલે વસ્તુ તો ખરેખરી શું છે તે કાંઇ જણાતું નથી પણ મન એ વસ્તુના રૂપ જેવું રૂપ લે છે તેથી આપણે તેને જાણી એમ સમજીએ છીએ. મનનો આવી જે કલ્પના કરવાનો સ્વભાવ તે બહુ ચંચલ છે, ક્ષણ પણ અટકી શકતો નથી, ને રાત દિવસ મન કલ્પનાઓ કર્યાજ કરે છે, અને પોતાને અનુકૂલ પ્રતિકૂલ ઘાટ બાંધે છે. આ પ્રમાણે મનનું જે વસ્તુ પદાર્થ વિચાર આદિમાં પ્રસરવું તેને વૃત્તિ કહે છે. માણસોને સુખ દુઃખ જે જે થાય છે, જ્ઞાન અજ્ઞાન સમજાય છે, એ