આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૮
બાલવિલાસ.

શાનો ત્યાગ કરાય છે? ખાવા જોઈએ છીએ, પીવા જોઈએ છીએ, ઉંઘવું પડે છે, શરીર બધી ક્રિયાઓ કરે છે, ને કોઈ વાર માન પ્રતિષ્ઠા પણ જોઈએ છીએ, તે શાનો ત્યાગ થયો ? ખરો ત્યાગ માત્ર મનની વાસના અને રાગ તજવામાંજ છે, ને તેમ થાય એટલે ગૃહસ્થ હોય કે યોગી હોય તો પણ પરમ આનંદમાંજ છે, શ્રીમદભગવદગીતામાં પણ સંન્યાસનો અર્થ એવોજ કહ્યો છે. પરપ્રેમ એજ ખરા સન્યાસનું લક્ષણ છે, ને તે પરપ્રેમનો અભ્યાસ ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી સાથે રહેવામાંથી થાય છે. પતિ છે તે સ્ત્રીનો દેવ છે, ગુરુ છે, એ બધું ખરું છે, પણ તેથી એમ અર્થ નથી કે સ્ત્રી તેની ગુલામ છે. સ્ત્રીએ કશું ઉપાર્જન કરવાનું નથી એમ બતાવવા માટે પતિને ગુરુ, દેવ, ઇત્યાદિ કહ્યો છે, પણ સ્ત્રી પોતે તો પ્રેમદેવતા છે, ને એ રીતે એના પતિથી પણ અધિક છે, કેમકે તેની પાસે પ્રેમ શીખવામાં તે તેનો શિષ્ય છે. સ્ત્રીપુરુષના સાથે રહેવાથી પ્રેમનો મહિમા સમજાય છે, ને એમ બેનું એક રૂ૫ થતું જાય, તેમાંથી અનેકનું એકરૂપ થવાનું પણ પરિણામે ફલે છે. આવા કંઈક વિચારથી જ કહ્યું છે કે ગૃહસ્થાશ્રમ લીધા પછીજ સન્યાસી થવું. શાસ્ત્રનો હેતુ સર્વત્ર આત્મભાવ અનુભવવાનોજ છે, ત્યારે તેમાં વિરાગ એટલે ત્યાગ કરીને નાશી જવું એ ભાવ પણ નથી એ વાત આમ સ્પષ્ટ થાય છે. પ્રવૃત્તિ તો કદાપિ અટકતી નથી, પણ એકાત્મભાવ થાય એજ પરમાનંદની દશા છે, ને તે ગમે તે સમયે પણ વેગપૂર્વક સંકલ્પ થાય તો સિદ્ધ થઈ શકે છે.

મનુષ્યદેહ પામી ક્ષણિક સુખના લોભમાં પડી રાગદ્વેષમાં પીડા રૂપ જીવિત ગાળવું એજ સંસારમાં રચીપચી ગયેલા જીવો ઘણું કરીને કરે છે. એમ કરતાં જેને ન આવડે તેને પોતાનાથી ઓછાં ડાહ્યાં ગણવા સુધી પણ હીંમત કરે છે. પણ એવાં સ્ત્રીપુરૂષ ગુણકીર્તન કરવાને આપેલી આ જીભનો નિંદા કરવામાં ગેરઉપયોગ કરે છે, એકાત્મભાવ પરખવાને આપેલી આંખનો ભેદભાવ વધારવામાં પ્રયોગ પ્રેરે છે, પ્રેમરસ સાંભળવાને આપેલા શ્રવણનો દ્વેષમય ઝેર પીવામાં બગાડ કરે છે, સમાનભાવ સુંઘવાની નાસાનો વિષમભાવ ફુકવામાં અવળો ભાવ ભજવે છે, ને એમ પ્રત્યેક ઈન્દ્રિયનો સારાને ઠામે નઠારો ઉપયોગ કરી મનને પાપમય વાસનાઓથી ભરી નાંખે છે. એનું પરિણામ દુઃખ, કલેષ, અલ્પાયુષ, એવું થાય છે, ને જન્મોજન્મ તે ભોગવાય છે. એક ક્ષણ પણ સર્વાત્મભાવમાં જીવ પરોવાય તો તેટલામાં જ અનન્ત ઇદ્રપુરીનું સુખ સમજાય છે. નિત્ય એમ થાય તો સુખની અવધિજ કયાં રહે ? શાસ્ત્ર પણ કહે છે કે જેણે એક ક્ષણ પણ આત્મભાવ અનુભવવા