આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૦
બાલવિલાસ.

છે કે તેણે પ્રજાને સંતોષવી, પ્રજા રૂપ થઈ રહેવું, ને એવી નીતિ બતાવવી કે જેથી યથારાજા તથા પ્રજા એ યથાર્થ ઉત્તમ પ્રકારે સાચું થાય. આમ પ્રેમ અને રાજધર્મ બેનો ભારે વિરોધ રામના હૃદયમાં મચ્યો. તેમાં છેવટ રાજધર્મજ વિજયી થયો, અને એમ નિશ્ચય થયો કે સીતાને વનવાસ કાઢવાં. પણ એ વાત સીતાને કહેવાઈ નહિ; જનહિતાર્થે સ્વાર્થનો આટલો મોટો ભોગ આપતા મહાત્માનું હદય પ્રેમથી વિંધાવા લાગ્યું. લક્ષ્મણને આજ્ઞા આપી, કે સીતા આજ વનલીલા જોવા જવાનાં છે, ત્યાં જ તેમને મૂકી આવવું.

આજ્ઞાને માથે ચઢાવી લક્ષ્મણે સતી સીતાને અરણ્યમાં જઇ વાલ્મીકિના આશ્રમમાં મૂકયાં, અથવા કવિશ્રી ભવભૂતિના આધારે કથા કહીએ તો, કેવલ અરણ્યમાં જ મૂકી દીધાં. સીતાએ બહુ ક્ષોભ પામી, અંતરનો પરિતાપ વધી જવાથી પોતાનાં માતારૂપ શ્રી ભાગીરથીમાં પડતું નાખ્યું. તેજ સમયે એમનાં ખરાં માતા પૃથ્વીએ તલે આવી પોતાની દીકરીને હાથમાં ઝીલી લીધી, તેમને પાતાલમાં લઈ જઈ આશ્વાસના કરી, તેમના જીવવડે અવતરેલા બે પુત્ર લવ અને કુશ સમેત, તેમને શ્રી વાલ્મિકિના આશ્રમમાં પોતે મૂકી આવ્યાં, ત્યાં એ બે બાલકો અનેક પ્રકારે સચવાયાં, અને એમની માતાએ પણ એમને જે જે ઉચિત હતી તે તે કેળવણી આપવામાં કસર રાખી નહિ. વાલ્મીકિએ તેમને ક્ષત્રિયને જે યોગ્ય તેવા સંસ્કાર કર્યા. અને તેમને શાસ્ત્રાભ્યાસ, તથા ધનુર્વિદ્યાભ્યાસમાં, કેળવ્યા. પોતે તે સમયે રામાયણ રચતા હતા તેમાંથી પણ તેમને નિત્ય પાઠો કરાવતા; સીતાને વનવાસ કાઢયાં ત્યાં સુધીનું રામાયણ એ બાલકો ભણ્યાં.

આણી પાસા રામની પીડાની કાંઈ સીમા રહી નહિ, સીતા જેમ સાદાં વસ્ત્રાભૂષણ રાખી મહા દુઃખે દિવસ ગાળતાં હતાં તેમ રામ પણ અતિ વિકટ વેદના વેઠતા હતા. એવામાં શંબુક નામે શુદ્ર દંડકામાં તપ કરતો હતો તેને લીધે એક બ્રાહ્મણનો પુત્ર અકાલ મૃત્યુથી મરી ગયો; તે બ્રાહ્મણે આવી રામને ફરીઆદ કરી તે ઉપરથી, રામ એ શુદ્રને હણવા ગયા. શુદ્રને રામને હાથે હણાતાં મોક્ષ થાય એ શાપ હતો એટલે તેને તે લાભ થયો, પણ રામને તો દંડકારણ્યના પરિચિત પ્રદેશો જોઈ પૂર્વનાં વનવિહારાદિ સંભારતાં સીતા સાંભરી, અને બહુ દુઃખ પેદા થયું. એ સમયે પૂર્વે સખી વસંતીએ આવી રામને આશ્વાસન આપતાં પણ એવાં માર્મિક વચનોથી વિંધી નાખ્યા કે આંતરવેદના બહુ વધી. સીતાને પણ, અંતર્ધાન થવાની વિદ્યા આપી, એનાં માતા તથા ભાગીરથીએ તે સ્થાને આણ્યાં; એટલે