આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૬
બાલવિલાસ.

સમજવાનો અધિકાર નથી, પણ એ વાત પણ ખરી નથી એ તમે હવે જે કથાઓ અત્રે કહીશું તેમાંથી સમજશો. ઉપનિષદ એટલે બ્રહ્મજ્ઞાનના રહસ્યમાં જે વ્યાખ્યાન ગુરુશિષ્યોમાં ચાલેલાં છે, તેના જેવો અતિ ગૂઢ, માર્મિક, અને તત્વરૂપ બીજો ગ્રંથ આખી દુનીયામાં પણ થયો નથી. બૃહદારણ્યક એ નામે સામવેદનું એક ઉપનિષદ છે તેમાં મહાત્મા શ્રીયાજ્ઞવલ્ક્ય ઋષિ જે ઘણા બ્રહ્મનિષ્ઠ હતા તેમની સાથે બહેનો ! તમારી સજાતીય સ્ત્રીઓએ પણ વાદ કરેલો છે, તે તમારે સાંભળી વિચારવાનો છે. એ વાદનો અર્થ મનમાં ઠસાવવા જેવો છે એટલું જ નહિ, પણ એવા વાદ કરવા સમજવાને તમે પોતે પણ સમર્થ થાઓ એવો તમારે અભિલાષા રાખવાનો છે, ને તેવો ઉદ્યોગ કરવાનો છે.

યાજ્ઞવલ્કય ઋષિને મૈત્રેયી અને ગાર્ગી નામે બે પત્ની હતી. યાજ્ઞવક્ય વનમાં જતા હતા તે સમયે મૈત્રીએ પૂછયું, મહારાજ !પૃથ્વીમાત્ર વિત્તથી ભરેલી હોય એવું મારે ક્યાંથી થાય ? કે તેથી મને પરિપૂર્ણ અમરપણું પ્રાપ્ત થાય ? યાજ્ઞવલ્કયે કહ્યું કે એમ થાય તો જેમ બીજાં ભાર વાહી જીવે છે તેવી તું પણ એક થાય, પણ એમાં કાંઈ અમરત્વની સીમા નથી. ત્યારે ભગવાન ! હું જેથી અમર થાઉં તે મને આપ જાણતા હો તેવું બતાવો, એમ મૈત્રીએ પૂછ્યું. યાજ્ઞવલ્કયે કહ્યું વાહ! સતિ ! બહુ સારૂ પૂછ્યું, આવ બેશ, તને યથાર્થ વાત સમજાવું, હું કહું તે બહુ સારી રીતે હદયમાં વરાવજે. પતિ પ્રિય લાગે છે, તેમાં પતિને પોતાને કશો લાભ નથી કે જેથી તે પ્રિય લાગે, પણ એ આપણા આત્માને અર્થે પ્રિય છે; એમજ પત્ની પણ પત્નીને અર્થ પ્રિય નથી, આત્માને અર્થે પ્રિય લાગે છે. એમજ પુત્ર, વિત્ત, બ્રહ્મ, ક્ષત્ર, લોક, દેવ, ભૂત, એમ સર્વ, તેમને તેમને અર્થે પ્રિય નથી, પણ આત્માને અર્થે પ્રિય છે. માટે આત્માને સાંભળવો, વિચારવો, ઠરાવવો; કેમકે આત્માના સાંભળ્યાથી, જાણ્યાથી, ઠરાવ્યાથી બધું જણાય છે, અમર થવાય છે. જે જે વસ્તુ છે, જે જે દેવ છે, જે જે મનુષ્ય છે, જે જે પદાર્થ છે, તે આત્મા જ છે, ને આત્મા રૂપ છે, માટે જ પ્રિય લાગે છે. પદાર્થોનું પ્રિય લાગવાપણું એજ સર્વત્ર આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરનારું છે. એ આત્મા જાણ તો અમર થશે, જેમ શંખ કે દુંદુભિને દીઠાથી, તેના નાદમાત્ર સમજાય છે, તેમ આત્મા એકજ જાણ્યાથી વિવિધ રૂપમાત્ર જણાય છે. જેમ સમુદ્રમાંથી થયેલો લવણનો કાંકરે સમુદ્રમાં પડતાં સમુદ્રરૂપ થઈ જાય છે, એમ આત્માથી થયેલું સર્વ આત્મમય-