આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૭
સન્નારી-મૈત્રેયી ગાર્ગી.

જ થઈ જાય છે. એજ અમરત્વ. મૈત્રેયીએ કહ્યું કે ભગવાન અહીં જ મને સમજણ પડતી નથી કે શું છે તે સંજ્ઞાહીન થઈ જવું તે કહ્યું ? યાજ્ઞવલ્કયે કહ્યું કે ના, હું મોહની વાત કરતો નથી, હુંતો નિત્ય જ્ઞાનની વાત કરું છું, એમાં જાણનાર, જાણવાનું, જાણેલું બધું એક છે, બધું જ્ઞાન રૂ૫ છે, ભેદ નથી, તે જાણ.

જનકવિદેહીએ એક સમય યજ્ઞ કર્યો, ત્યાં બહુબહુ વિદ્વાન બ્રાહ્મણો અવ્યા. જનકને ઈચ્છા થઈ કે આ બધામાં કોણ ખરો બ્રહ્મજ્ઞ છે ? તે ઉપરથી એણે એક સહસ્ત્ર ગોદાન તૈયાર કરી કહ્યું કે હે મહાબ્રાહ્મણો તમારામાં જે ખરો બ્રહ્મનિષ્ઠ હોય તે આ ગાયો લો. યાજ્ઞવલ્કયે તે દાન લીધું, એટલે તેને ઘણા ઘણા બ્રાહ્મણોએ બ્રહ્મવિદ્યાના પ્રશ્ન પૂછવા માંડયા. સર્વનું નિરાકરણ કર્યા પછી, ગાર્ગીએ પૂછ્યું હે યાજ્ઞવલ્ક્ય ! આ બધું જગત જલતત્વ વિષે બંધાઈ રહેલું છે, તો તે જલ શાના ઉપર રહેલું છે ? યાજ્ઞવલ્ક્યે કહ્યું કે વાયુતત્વ ઉપર. ત્યારે પૂછ્યું કે તે શાના ઉપર? યાજ્ઞવલ્ક્યે કહ્યું કે અન્તરિક્ષમાં, ત્યારે પૂછ્યું કે અન્તરિક્ષલોક શામાં ? તો કહે કે ગાંધર્વ લોકમાં; તો તે ઉપર પણ પાછું પ્રશ્ન કર્યું, વળી યાજ્ઞવલ્ક્યે ઉત્તર કર્યું. વળી ગાર્ગીએ પ્રશ્ન કર્યું, એમ ઘણાક પ્રશ્નોત્તર થતાં છેવટ યાજ્ઞવલ્ક્યે સર્વનું નિદાન બ્રહ્મ એમ કહ્યું. ત્યારે ગાર્ગી એ વળી પૂછ્યું કે બ્રહ્મ કયાંથી થયું? યાજ્ઞવલ્કયે કહ્યું કે રે ગાર્ગી ! આ તો અતિપ્રશ્ન એટલે કે ન કરવા યોગ્ય પ્રશ્ન કહેવાય, ને એવું પ્રશ્ન કરશે તો તારું માથું પડશે. આમ સાંભળી ગાર્ગી શાંત થઈ ગઈ. આવી રીતે યાજ્ઞવલ્ક્યે વાદનો છેડો આણ્યો ; તેનો અર્થ એમ ન સમજવો કે એમને ગાર્ગના પ્રશ્નનું ઉત્તર ન આવડવાથી એમણે વાત ઉડાવી દીધી. જે આત્મા એમ મૈત્રેયીને સમજાવ્યું છે, તે જ બ્રહ્મ છે ને તે જ્ઞાન રૂપ છે. એટલે જેનાથી આપણે જ્ઞાન પામીએ છીએ, “ છે” કે “હું” એમ જાણીએ છીએ, તે જ્ઞાન એજ બ્રહ્મા. હવે એ જ્ઞાન શામાંથી થયું એમ પુછી શકાય નહિ, કેમકે જે સર્વને જાણનાર તેને કોઈ જાણનાર ઘટેજ નહિ; ને જો ઘટે તો જાણનાર પોતે વ્યર્થ થાય. આ અર્થ યાજ્ઞવલ્કયે ગાર્ગીને ટુંકામાં સમજાવ્યો કે જે છેવટ જ્ઞાનરૂપે સ્વીકારેલું છે તેની ઉત્પત્તિ પૂછવા જતાં તો પુછનારનો પોતાનોજ વિનાશ થાય, માટે એ પૂછાય નહિ. આ વાત સમજવાથીજ ગાર્ગી શાન્ત પડી ગઈ. પણ તમારે જોવાનું એ છે કે આવા સૂક્ષ્મ વાદ સમજવા જેટલું જ્ઞાન ગાર્ગીનામાં હતું એ બહુ આશ્ચર્યની વાત છે. તમે પણ એવાં થાઓ.