આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
પ્રવૃતિ.

એક ધંધામાં વિજય પામી શક્યું છે, ને ઉદ્યોગી તથા પ્રમાણિક જણાયું છે, તે ગમે તે ધંધામાં પણ પોતાના ઉદ્યોગ અને પ્રમાણિકતાથી વિજય પામશે. સાર એટલોજ છે કે જેમ તેમ કરીને પણ ઉત્તમ પ્રવૃત્તિ રાખવાની ટેવ પડવી જોઈએ, પછી જે ધંધો હશે તે એની મેળે કરી શકાશે. આપણે જોઇશું તો આપણા જ દેશમાં કબીર અને દાદુ જેવા મહાત્માઓ થઈ ગયા છે તે માત્ર સાળવી અને પીંજારાના ધંધામાંથી તત્વજ્ઞાનીના ધંધામાં પડેલા હતા. ચાણક્ય જેવા રાજનીતિમાં કુશલ થઈ ગયેલા છે તે સંધ્યા અને તર્પણ કરનાર બ્રાહ્મણનો ધંધો તજી રાજકુલમાં પડવાથી થયા છે. ચાલુ સમયમાં પણ શું થાય છે? આપણા સરકારની નોકરીમાં ઉત્તમમાં ઉત્તમ મુનસફો, મામલતદારો, તે ઘણાખરા નીશાળ ભણાવનારા માસ્તરમાંથી થયેલા છે. વિલાયત અને યુરોપ અમેરિકામાં તો એવા દાખલા કરોડો મળી આવશે. પ્રખ્યાત જૉન બ્રાઇટ, જૉન બ્રેડલો, વગેરે જે રાજકીય પુરુષો છે તે જેમ એક પાસે રાજકારભારમાં પડેલા છે તેમ બીજા પાસે વેપાર વકીલાત વગેરેમાં પણ તેવા જ કુશલ છે. આવા અનેક દષ્ટાંતથી એટલું જ સિદ્ધ થાય છે કે જેને ઉત્તમ પ્રકારની પ્રવૃત્તિની ટેવ પડેલી છે તે તો ગમે ત્યાં પણ ઝળકી ઉઠે છે; જે આળસુ છે તેને પોતાને જે યોગ્ય હોય તે વિના બીજો ધંધો ફાવતો નથી.

એક બીજો વિચાર પણ લોકોમાં ચાલે છે, અમુક ધંધોજ સારો અને અમુક નહિ સારો, એમ લોક સમજે છે. પણ હમણાંજ આપણે કહી આવ્યા કે સારી પ્રવૃત્તિ અથવા ઉદ્યોગ એજ સારાપણાનું લક્ષણ છે. તે ઉદ્યોગને ફળ શું થાય છે, અથવા થાય છે કે નહિ, તે વિચારવાનું નથી. વિદ્યા અને અર્થ એ બે હેતુ લક્ષમાં રાખી, ધર્મબુદ્ધિએ વર્તી જે મનુષ્ય અટકયા વિના પ્રવૃત્તિ કર્યા જાય છે, તે ઉત્તમમાં ઉત્તમ છે, તેને સર્વ પ્રકારનું માન ધટે છે, ને તે પણ તેના ઉદ્યોગનું ધારેલું ફલ આવતું હોય કે ના આવતું હોય તથાપિ જગતમાં આપણે જે સ્થિતિમાં હાઈએ તે સ્થિતિ કાંઈ આપણે જાતે લીધી નથી, એ તો એક નાટકના વેષ જેવું છે. આપણું કામ એ નથી કે આપણો વેષ અમુક જાતનો શા માટે છે તેની કુથલી કરવી, પણ આપણું કામ એટલું જ છે કે જે વેષ આપણે ભાગ આવ્યો હોય તેવો યથાર્થ ભજવવો. તે યથાર્થ ભજવાય એટલામાં જ આપણને માન છે, આપણું જીવ્યાનું સાર્થક છે. કામ કરવાથી જ શરીર દૃઢ થાય છે, મનના ઘણાક ઉત્તમ ગુણો ખીલી નીકળે છે, તે કામને કોઈએ કદી પણ