આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
બાલવિલાસ.

હલકુ ગણવું નહિ. એક વખત મહાન નેપલીયન કોઈ અતિ કુલીન સ્ત્રી સાથે ફરતો હતો તેવામાં એક મજુર માથે ભાર લઈ દેડતો સામે આવ્યો. પેલી સ્ત્રીએ દૂર રહે દૂર રહે એમ કહ્યું, પણ નેપોલિયને કહ્યું કે “બાઈ! આપણે જ ખસો, કાંઈ નહિ એને માથે જે ભાર છે તેને માન આપવું જોઈએ.” આટલી બધી પ્રતિષ્ઠા ઉદ્યોગ, શ્રમ, તેને છે. આપણાં બૈરાં પોતાનાં છોકરાં, બીજાને સોંપવામાં, કુવે તળાવથી પાણી ન લાવવામાં, દળણુંખાંડણું ન કરવામાં, રસોઈ ન રાંધવામાં, ને વાસણ પુંજો વગેરે ઘર કામ ન કરવામાં કુલીનતા સમજતાં હોય તો તે તેમની ભુલ છે. જેમ શરીર કસાશે, ને મનને કામ કરવાની છૂટ આવશે, તેમ સર્વ પ્રકારનું સુખ પેદા થશે; નવરાં બેઠાં નખોદ વાળવાનો સમય નહિ મળે, ને સુખી થવાશે. મહોટાં નગરમાં જ્યાં બૈરાં નવરાં બેસી રહે છે, ને બધું કામ ચાકરને હાથે લે છે, ત્યાં જઈને જુઓ. ત્યાં સ્ત્રીઓનાં શરીર ફીકા, નબળાં, ને તેમના સ્વભાવ ચીડીયાં ને કંગાલ જણાશે. આનું કારણ માત્ર પ્રવૃત્તિને અભાવ એટલું જ છે. માટે સર્વદા કોઈ પણ પ્રકારના કામથી અપ્રતિષ્ઠા સમજવી નહિ. પોતે જે ઠામે હાઈએ તે ઠામે આપણે જે કામ હોય તે સારામાં સારી રીતે કરવું એમાં જ પ્રતિષ્ઠા અને કલ્યાણ જાણવાં.

ઘણાકને આરામ ભોગવવાનું બહુ મન હોય છે, પણ કામ કર્યા પછી આરામ જેવો મીઠો લાગે છે તેવો અમથો આરામ લાગતો નથી. કામ કરી રહ્યાં અને પાછું કરવાનું છે, એ બે સમયની વચમાં જે આરામ હોય તે જ અતિ સ્વાદથી ભોગવાય છે. જેને નિરન્તર આરામ છે. તે જ ઘેર ઘેર રખડે છે. જુઠાં સાચાં ગપ્પાં કે નિંદામાં સમય ગાળે છે, ને કશું કામ ન હોવાથી તેને દિવસ બહુ લાંબો લાગે છે, એટલે પોતાની જાત ઉપર અકળાય છે. એવા માણસ કશાથી સેતેષ પામતાં નથી, તેમને કશું ગમતું નથી. સુખ આપનાર આરામ એ જ છે કે જેની આગળ અને પાછળ કામ હાય. ત્યારે રાત દિવસ કામ કામ ને કામ; શરીરનું કામ, મનનું કામ એમ તે કયારે નવરા પડાય? એમાં તો મરી જવાય! એવું પણ કેટલાંક વારંવાર બોલે છે. આનું ઉત્તર એટલું જ છે કે આજ સુધી કોઈ પણ માણસ નિયમિત રીતે ઉદ્યોગ કરવાથી મરી ગયું નથી, પણ કેવલ ઉદ્યોગ ન કરવાથી, એટલે આળસથી તો ઘણાં મરી ગયાં છે. અનિયમિત આહાર કરવાથી તેમ જ ઉંધવા જાગવાથી, અને એવાં જ બીજા કારણથી તો ઘણાં મરે છે.