આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
બાલવિલાસ.

ગમે તે પ્રકારે પણ સારૂ કરવા માટે પોતાની સદ્દવૃત્તિ ઉલટે છે. એ ઉલટવાનો જે વેગ તે ક્રોધરૂપે વર્તાય છે, પણ તે ક્રોધ નથી. આ ક્રોધ જેને નથી થતો, જેના હૃદયમાં દુષ્ટ વૃત્તિ કે દુષ્ટ આચાર દેખતાની કે સાંભળતાની સાથે આઘાત થઈ, સદ્દવૃત્તિ ઉભરાઈ ઉઠતી નથી, તેવાં મનુષ્ય સદ્દવૃત્તિવાળાં, ન્યાયી, પ્રેમી કે સદ્દગુણી નથીજ. એવા ક્રોધથી ક્ષમારૂપી ગુણનો ભંગ ગણાતો નથી.

ગુરૂભક્તિ-ભાગ ૧
૧૩.

ભક્તિ એટલે શું ? જેમ પરસ્પર સ્નેહ અને મમતા રાખવાં એ મૈત્રી અથવા પ્રીતિ કહેવાય છે, તેમ કોઈન ઉપર શ્રદ્ધા રાખવી તેને ભક્તિ કહે છે. શ્રદ્ધાનું મુખ્ય બીજ એ છે કે આપણને જેના ઉપર શ્રદ્ધા હોય તેને માટે પ્રીતિ અને માન બે હોવાં જોઈએ. મનમાં આવું હોય એટલેજ થયું એમ નહિ. પણ એવું જે મનમાં હોય તો વાણીમાં જણાવું જોઈએ, ને વાણીમાં હોય તો કામમાં કરી બતાવવું જોઈએ. માણસની સ્થિતિ જ એવી છે કે તેનાથી કોઈ રીતે કેવલ સ્વતંત્ર થઈ શકાય એમ નથી. બાલક જન્મે ત્યારે તે એટલું નિરાધાર હોય છે કે તેને મહોટુ કરી હરતું ફરતું ને ખાતું પીતું કરવા લગીમાંજ તેનાં માબાપને બહુ શ્રમ અને વેદના વેઠવાં પડે છે. એમજ તે પાંચ વર્ષનું થાય ત્યાંથી તે જગતમાં પોતાની મેળે નિર્વાહ કરવાને માર્ગે લાગે ત્યાં સુધી પણ માબાપને થોડી ચિંતા પડતી નથી. એટલા સમય સુધી માણસ પોતાનાં માબાપ કે માબાપને ઠેકાણે જે હોય તેના ઉપર આધાર રાખે છે. તે પછી તેને આ જગત ઉપર આધાર રાખવો પડે છે, કેમકે પોતાને જે જે જોઈએ તે કાંઈ પોતે એકલાથી જ પેદા કરી શકાતું નથી. એ વાત ખરી છે કે પોતે જે લે છે, તેને માટે કોઈને કોઈ રીતનો બદલો આપીને તે લાવેલું હોય છે; તથાપિ એ સમજવા જેવું છે કે બીજાં સહાય ન હોય તો બદલો આપતાં પણ જે જોઈએ તે સાંપડે એવું હોવાનો સંભવ નથી. એટલું જ નથી પણ દુઃખ, વિપત્તિ, કષ્ટ, મંદવાડ એવા અનેક પ્રસંગ માણસને માથે આવી પડે છે, તે સમયે તેનો પૈસો તેને કામ આવતો નથી, તેનાં બીજાં સાધન તેને સહાય થતાં નથી, પણ મનુષ્યનો સહવાસ અને મનુષ્યની પ્રીતિપૂર્વક દેખરેખ, તેને પાર ઉતારી શકે છે. આવાં બધાં કારણોથી માણસ સદા એક રીતે પરાધીન જ