આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
બાલવિલાસ

સ્ત્રીત્વ-ભાગ ૧.
૧૫

સ્ત્રીત્વ એટલે સ્ત્રીપણું; સ્ત્રીપણું શામાં છે? બીજી રીતે કહીએ તો સ્ત્રીઓ કેવા રૂપે રહેવાથી ઉત્તમ સ્ત્રીઓ કહેવાય? આ વાતનો વિચાર પ્રથમથી કરવાનો છે; કેમકે તમે કેવાં મહાકાર્ય માટે ઉત્પન થયેલાં છો, તમારી આ જગતમાં શી આવશ્યકતા છે, અને તમારું શું કર્તવ્ય છે, એ તમે સમજો નહિ ત્યાં સુધી તમને તમારું જીવિત કશા ઉપયોગવાળું લાગશે નહિ, તમે તેનો બરાબર ઉપયોગ પણ કરી શકશો નહિ. એક પાસાથી કેટલાંક શાસ્ત્રોમાં સ્ત્રીઓને બહુ અધમ કહેવામાં આવી છે, તો બીજી પાસાથી આજના સમયમાં કેટલાક લોક તેમને પુરૂષના જેવાં જ કામ માટે સર્જાયેલી ગણે છે. આ બે વાત ખરી નથી, તે આગળ કહીશું. આપણા શાસ્ત્રમાં સ્ત્રીઓને ઉત્તમમાં ઉત્તમ એટલે દેવતા જેવી કહી છે. ભગવાન મનું લખે છે કે “ઘરની શોભા રૂપ, પૂજ્ય, પ્રજાર્થે સર્જાયેલી, મહા ભાગ્યવાળી, સ્ત્રી અને લક્ષ્મીદેવતા તે બેમાં કશો ભેદ નથી" એટલે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતા પણ વાસો વસે છે.” આવું જે લખ્યું છે તેનો અર્થ એવો નથી કે તેમનાં પતિએ સ્ત્રીઓની પૂજા કરવી, કેમકે એ વાક્યો જોડેજ બીજું પણ વાકય છે કે “પતિ એજ સ્ત્રીનો એકજ ગુરૂ છે.” ત્યારે સ્ત્રીઓના ખરા સ્વરૂપનો અર્થ એ બે વાતની વચમાંથીજ નીકળશે, કે એક પાસા સ્ત્રીનો દેવ અથવા ગુરૂ તેનો પતિ છે, ને બીજી પાસા સ્ત્રી પોતે દેવતારૂપ છે. એ અર્થ ચોખો કરવાથી તમે તમારું રૂપ સમજશો.

આ જગતમાં એવો નિયમ છે કે જેટલું જેટલું થાય છે, તેટલું તેટલું એમને એમ થતું નથી. એમાં કોઈ બે વસ્તુની અપેક્ષા રહે છે. એક તેને ઉત્પન્ન કરનાર, અને બીજી તેને પોષણ કરનાર. પશુ પક્ષી સર્વમાં આવો નિયમ છે એટલું જ નહિ, પણ ઝાડ વનસ્પતિ ફલ ફુલ ઇત્યાદિમાં એને એજ નિયમ છે. ત્યારે કુદરતથીજ આ જગતનાં પદાર્થના બે વિભાગ પડેલાં છે, ને તે બે એક એકને એવા ઉપયોગી છે કે તેમાંનો એક ન હોય તો બીજો પણ નકામો થઈ જાય. આવું છે માટે એ બે અન્યોન્ય નું અર્ધાંગ એટલે અર્ધું અર્ધું અંગ કહેવાય. કેમકે બે મળીને એક આખું અંગ થાય. આ પ્રમાણે જે ઉત્પન્ન કરનારું અર્ધાંગ છે તેને પુરૂષ કહેવાય છે. જે રક્ષણ કરનારું અથવા પોષણ કરનારું અર્ધું અંગ છે તેને સ્ત્રી કહેવાય છે. એ બે પોતપોતાના કામ સારામાં સારી રીતે કરી શકે માટે તેમને પોત પોતાના