આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
પત્ની-ધર્મ.

પત્નીધર્મ- ભાગ ૨.
૧૭.

વિવાહ અથવા લગ્નનો હેતુ આગલા પાઠમાં કહ્યો તેવો છે તેથી તે સંબંધની ગાંઠ ઘણીજ પાકી ગણાય છે; તે એકવાર બંધાય તે ફરી છૂટી શકતી નથી. આપણા શાસ્ત્રમાં એવો નિયમ છે કે સ્ત્રી અને પુરૂષ બે ભેગાં હોય ત્યારે જ બધાં અગત્યનાં ધર્મકર્મ કરી શકાય છે. સ્ત્રીને એટલાજ માટે સહધર્મચારિણી અર્થાત્ સાથે રહી ધર્મ સંપાદન કરનારી કહે છે. સ્ત્રી પુરૂષ પરણે ત્યારથી જ પરસ્પરને કેવાં વચન આપી બંધાય છે તે આગળ વિવાહ સંસ્કારના પાઠમાં કહેવાશે, પણ તેની મતલબ એવી હોય છે કે આપણે નિરંતર ધર્મ આચરીશું ને પરસ્પર એકભાવથી રહીશું. આ પ્રતિજ્ઞા અગ્નિ આદિ દેવની સમક્ષ લેવાય છે. આવો વ્યવહાર હોવાથી, તથા આવો સંબંધ એકજ હોય છે તેથી કેવો લાભ છે એ આગળ બતાવ્યું છે તેમ હોવાથી, શાસ્ત્રમાં લગ્નની ગાંઠ બહુજ પવિત્ર અને કદી છૂટે નહિ તેવી માની છે. બીજા દેશ કે લોકમાં જેમ ઇચ્છામાં આવે તેમ લગ્નને બાંધી છોડી શકાય છે. તેમ અહીંઆં નથી, કેમકે લગ્ન એ આપણા દેશમાં માત્ર અન્યોન્યના સુખ માટેનો કરાર નથી, પણ અન્યોન્યના આત્માના કલ્યાણ માટે ન છૂટે તેવી ગાંઠ છે, ને ધર્મ પ્રાપ્ત કરવા માટે બંધાયેલી છે.

લગ્નનો આ પ્રમાણે વિચાર કરવાથી સમજાય છે કે એ કામ કેટલા બધા વિચારનુંજ કામ છે, ને એની ઉપર મનુષ્યના આખા જીવતરના સુખ દુઃખનો કેટલો બધો આધાર છે. આવું અગત્યનું કામ આપણે કાંઈ પણ સંભાળ વિનાજ કરી દઈએ છીએ, તેમ થતું જોઈએ નહિ. વર અને કન્યામાં પરસ્પર કેવા ગુણ જોઈએ તે સંસ્કાર વિષેના પહેલા પાઠમાં કહેલું છે. પણ થનાર પતિ અને પત્ની વચ્ચે પ્રેમ શુદ્ધ અને ગાઢ હોવો જોઈએ એ તે બહુજ આવશ્યક છે. લગ્ન છે તે પ્રેમનું જ કામ છે, ને જયારે વિવાહની ક્રિયા થાય છે ત્યારે પણ વરકન્યા પ્રતિજ્ઞાઓ લેતાં “આ પ્રેમનું કાર્ય છે, પ્રેમથી એ થયું છે, પ્રેમથી જ ટકે છે” એમ વચન બોલે છે. વરે કન્યા, અને કન્યાએ વર શી રીતે પ્રાપ્ત કરવાં તે વિષે દેશ દેશમાં જુદા જુદા વ્યવહાર છે. પણ આપણા દેશમાં જે છેક ઘેડીયામાંથી પરણાવવાની રીત કહીં કહી જણાય છે તે તો બહુજ હાનિકર્તા છે. માબાપના અનુભવને ગણકાર્યા વિનાજ કન્યાએ વર જોઈ લેવો એ વાત સારી નથી. તેમ છેક માબાપે કન્યાની કે વરની જરા પણ સંમતિ ન લેવી એ વાત પણ સારી