આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
સન્નારી શકુંતલા.

આ તપોવનમાં આવી અનુપમ બાલા કયાંથી ? વળી પોતે ક્ષત્રી છતાં પોતાને બ્રાહ્મણની કન્યા ઉપર બહુ પ્રીતિ થતી જોઈને પણ બહુ વિસ્મય લાગ્યા કે મારા જેવા અતિ ધર્મરથ અને નિયમવાળાને એવી વૃત્તિ થાય જ નહિ, માટે એ કન્યા કોની હશે? આવા વિચાર કરતો રાજા વૃક્ષ પછવાડે ઉભો છે ને સખીઓની એક એક પ્રતિ ચાલતી ટોલબાજી સાંભળી શકુંતલાના ગુણ ઉપર વધારે વધારે લોભાતો જાય છે, એટલામાં શકુંતલાના મુખ ઉપર એક ભમરો ગણગણાટ કરવા લાગ્યો. શકુંતલા બહુ ગભરાઈ ગઈ, ને સખીઓને ધાએ, ધાઓ, કરી બુમો પાડવા લાગી, પણ તેમણે એ ઉપહાસ કર્યો કે મહારાજ દુષ્યન્તને વહારે બોલાવ, અમારાથી તો ભમરાને મારી કાઢનાર નથી. આ પ્રસંગ જોઈ દુષ્યન્ત રાજા પોતે છતા થયા, અને ત્રણે સખીઓ એ પ્રસંગથી બહુ આશ્ચર્ય પામી ગઈ, તે પણ રાજાની આગતાસ્વાગતા કરવા લાગી, એ પ્રસંગે પ્રથમ જ દર્શનથી રાજા અને શકુંતલાના મનમાં અન્યોન્યને પ્રેમ ઉત્પન્ન થયો; અને અનેક વચનચતુરાઈ થી બહુ સમય વાતચીત કરી રાજા પોતાને સ્થાને ગયો. રાજાએ, શકુંતલા અપ્સરાની કન્યા છે એ વાત પણ પૂછી લીધી હતી એટલે પોતાની ઈચ્છા સફલ થવામાં કાંઈ વિઘ્ન રહ્યું નહિ. એ પછી આશ્રમમાં પણ સમાચાર પ્રસર્યા કે દુષ્યન્ત રાજા સમીપમાં પધારેલા છે, અને યોગ પણ એવો હતો કે કાશ્યપ ઋષિ ઘેર નહતા તેવામાં રાક્ષસો મુનિઓના યજ્ઞમાં વિઘ્ન કરતા હતા. આ ઉપરથી શિષ્યોએ જઇ દુષ્યન્ત રાજાને આશીર્વાદ પૂર્વક વિનંતિ કરી કે રાક્ષસો વિઘ્ન કરે છે માટે આપે બે દિવસ અત્રે રક્ષણ માટે સ્થિતિ કરવી. રાજાને તો “ભાવતું હતું ને વૈધે કહ્યું', એટલે આશ્રમમાંથી તેણે રાક્ષસોને હાંકી કાઢી ઋષિઓનો યજ્ઞ નિર્વિઘ્ને ચાલતો કર્યો. શકુન્તલાના ઉપર પોતાને જે પ્રેમ થયો હતો તેની બહુ પીડા થવા લાગી, ને શકુન્તલાને પણ રાજા ઉપર જે પ્રીતિ થઈ હતી તેની પીડા ઓછી ન હતી. એક પ્રસંગે રાજા વૃક્ષલતાના ઝુંડમાં ફરતો ફરતો શકુન્તલાને તેની સખીઓ પ્રેમ પીડામાં વિનોદ કરાવતી હતી ત્યાં જઈ ચઢયો. ત્યાં એ બેના પરસ્પર પ્રેમની વાત સ્પષ્ટ રીતે વૃદ્ધિ પામી, અને સખીઓ કાંઈક મિષે ત્યાંથી દૂર થઈ ગઈ એટલે પરસ્પરાનુરાગથી બને ગાંધર્વવિવાહથી પરણ્યાં. પછી રાજા ત્યાંથી જવાને નીકળ્યો ત્યારે તેણે શકુન્તલાને પોતાની એક વીટી આપીને કહ્યું કે આ વીંટી ઉપર જે નામાક્ષર છે તેને તું ગણજે; તેટલા દિવસ પહેલાં તને મારાં માણસ મારા અંત:પુરમાં તેડી જવા આવશે.