આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
બાલવિલાસ.

દુષ્યન્ત રાજાને તેડાવ્યા. રાજા બહુ હર્ષથી, ને માનથી, ગયો. ત્યાંથી વિજય પામી પાછા ફરતાં વચમાં હેમકૂટ પર્વત ઉપર મારીચાશ્રમમાં પ્રજાપ્રતિનાં દર્શન કરવા ગયો. આશ્રમની બહાર તેણે એક અતિ સુંદર બાલકને સિંહના બચ્ચા સાથે રમતો જોયો. જોતાં જ રાજાના મનમાં અનેક ભાવ પેદા થયા અને પેલા બાલક ઉપર બહુ પ્રેમ થઈ આવ્યો. બાલકને ખોળામાં લઈને રમાડવા માંડયો, તથા તેની સાથેની તાપસીઓને પૂછયું કે આ બાલક કોનો છે? તેમણે કહ્યું કે પુરૂવંશનો કુમાર છે. એ સાંભળી રાજાને વિશેષ નિશ્ચય થવા લાગે કે આ પુત્ર મારો જ છે. ત્યારે કહે કે એના પિતાનું નામ શું? પેલી તાપસીએ કહ્યું કે પતિવ્રતાને અકારણ પરિત્યાગ કરનાર દુષ્ટનું કોણ સ્મરણ કરે? એ ઉપરથી પણ રાજાને નિશ્ચય થવા માંડયો. એવામાં પેલા સિંહને મૂકાવવા એ તાપસી શકુંત નામે પક્ષીનું રમકડું લાવી બાલકને કહે કે લે આ “ શકુંત લાવી” એ સિંહને મૂકી દે. એટલે બાલક કહે કે શકુંતલા મારી માતા આવી ? બાલકની માતાનું નામ શું એમ પૂછવું એ રાજાને અમદાવાળું લાગતું હતું, તેથી આ રીતે એ નામ જાણતાં જ રાજાને નિશ્ચય થયો કે આ મારોજ પુત્ર છે. એ પુત્રને હાથે એક રાખડી બાંધેલી હતી, તે આ સમય છુટીને નીચે પડી ગઈ હતી, તે પેલી તાપસીએ દીઠી, તેણે પેલા બાલકને કહ્યું કે એ તું લઈ લે. પણ તે રાખડી રાજાએ લઈ લીધી, તે ઉપરથી તાપસીને બહુ આશ્ચર્ય લાગ્યું કેમકે એ મારીચઋષિની આપેલી હતી, ને એને એ સ્વભાવ હતો કે એ બાલક અથવા એનાં માબાપ વિના એને કઈ લે તો તેને તે સર્ષ થઇને કરડે. શકુતલા ઋષિના આશ્રમમાં સતીધર્મ પાળી તપશ્વર્યામાંજ રહેતી, તેને તાપસીએ સમાચાર કહ્યા, એટલે તે તુરત તે ઠામે આવી ત્યાં દુષ્યત અને શકુન્તલા અન્યોન્યને ભેટી પડયાં, અને દુષ્યત શકુન્તલાને પગે પડી ક્ષમા માગવા જતો હતો પણ શકુન્તલાએ તેમ કરતાં વાર્યો. પછી પિતામાતા આશ્રમમાં ગયાં; ત્યાં મારીચે આશીર્વાદ આપી દુવાસાના શાપનો વૃત્તાન્ત કહ્યો તેથી શકુન્તલાનું આશ્ચર્ય ભાગી ગયું, ને દુષ્યતને જે પાપને ભય હતો તેનો યથાર્થ અર્થ સમજાયાથી શાન્તિ વળી. શકુન્તલાને તેની માતા મેનકાએ આ પ્રમાણે રાખી હતી તે ત્યાં આવી, અને ઇન્દ્રને તેમ કાશ્યપઋષિને પણ, આ વૃત્તાન્ત પ્રથમથી જ જણાવેલો હતો તેથી તે પણ ત્યાં આવ્યા. પછી દુષ્યન્ત શકુન્તલા અને પેલો પુત્ર ત્રણે પૃથ્વી ઉપર આવ્યાં. દુષ્યન્ત પછી એ પુત્ર ભરત એ નામથી ભરતખંડનો ચક્રવર્તી રાજા થયો.