આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
બાલવિલાસ

તેમને કોઈના ઉપદેશની કે દષ્ટાન્તની અપેક્ષા રહેતી નથી. તેમને પોતાનું કર્તવ્ય શું છે તે સારી પેઠે સમજાયેલું હોય છે, ને તે ઉપર દષ્ટિ રાખીને તે નિરંતર ચાલ્યાં જાય છે. બીજા ગમે તે કરતાં હો, તેની તેમને જરા પણ ચિંતા હોતી નથી. મનુષ્ય જેને કદાપિ પહોંચી ન શકે એવું અતિ ઉત્તમોત્તમ ધોરણ તેમના લક્ષમાં ઠસી ગયેલું હોય છે, એટલે તેવાં મનુષ્ય કોઈપણ મનુષ્યના દષ્ટાન્તથી ઉત્સાહ મેળવવાને બદલે, પેલા ઉત્તમ ધોરણને પહોંચવામાંજ બધો ઉત્સાહ રાખે છે, ને ઉત્તમોત્તમ જીવિત કાઢે છે. ઉત્તમ ધોરણ એટલે ધર્મ સંબંધીના પાઠમાં જેને આત્મભાવ કહ્યો છે તેવું; અને તેના ધોરણ ઉપર નજર રાખી વર્તવું, એજ ઉત્તમમાં ઉત્તમ મનુષ્યનું કામ, એમ સમજવું. એવાંજ મનુષ્ય જગતમાં, લોકમાં, રહ્યાં હતાં દેવ જેવાં છે, ને સર્વને દૃષ્ટાંત રૂપે થઈ શકે છે. એ મનુષ્યને પ્રથમ વર્ગમાં મુકાય. બીજા વર્ગમાં એવા મનુષ્ય આવે કે જેમને પ્રવૃત્તિ કરી ઉત્તમ માર્ગે ચઢવા માટે બાન દ્રષ્ટાંતની અપેક્ષા રહે છે. આવાં મનુષ્ય ઘણાં હોય છે, એમ પણ કહીએ તો ચાલે કે બધાં મનુષ્ય એવાં જ હોય છે. એટલે આ ઠેકાણેજ માણસોએ સંભાળવાનું છે. ફલાણું માણસ અમુક સ્થિતિમાં છે, તે મારે પણ તેવા થવું એ ઈચ્છા ઘણાને થાય છે, પણ તે પાર પાડવાના બે જુદા જુદા માર્ગ માણસો શોધે છે. એક માર્ગ એ છે કે તેના જેવો શ્રમ કરી તેને જઈ મળવું, એનું નામ સ્પર્ધા. અને એ સ્પર્ધાથી, સામાના દષ્ટાંતને જોઇ, જે ઉદ્યોગ કરે તે બીજા વર્ગનાં મનુષ્ય કહેવાય. પણ સામાના સમાન થવાનો એક બીજો પણ માર્ગ છે, ને આ દુર્ભાગી જગતમાં તેજ માર્ગ ઘણાં સ્ત્રીપુરુષ લે છે, અને પીડા પામે છે, તથા કરે છે. એ માર્ગ એ છે કે આપણાથી જે સામાને જઈ મળાય નહિ તો જ્યાં આપણે હોઈએ ત્યાં સુધી કે તેથી પણ નીચે, સામાને ઘસડી પાડવું. આનું નામ ઈર્ષ્યા કહેવાય છે, ને તે માર્ગે જનારાં માણસ અધમ એટલે નીચ વર્ગમાં ગણાય છે. ઈર્ષ્યાથી કરીને અનેક પાપકર્મ કરાય છે. જુઠું બોલી સારા માણસની ખોટી ખોટી વાતો કરવા રૂપી નિંદાથી પગરણ મંડાય છે, ને એ વાત છેવટ કયાં સુધી વધે છે તે કહેવું બહુ ભયભરેલું છે. પણ એટલાં પાપ કર્યા છતાં લાભ એક તલપૂર પણ થતો નથી. જગતમાં આપણે એમજ જોઈએ છીએ કે જે માણસ પ્રમાણિકતાથી ઉન્નતિ પામતું ચાલે છે, તેને કરોડો માણસ ઈર્ષ્યાથી નીહાળે, અને નીચું પાડવા મથે, તો પણ તેને કાંઈ હાનિ થતી નથી. એટલું જ નહિ, પણ ઉલટી તેની ઉન્નતિ વધતી જાય છે. ઈર્ષ્યા કરનારને તો પોતાની સ્થિતિની પીડા હોયજ