આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
સ્પર્ધા.

છે, ને તેમાં બીજાનો દ્વેષ કર્યાની પીડા વિનાકારણ વહોરી બમણું દુઃખી થવું પડે છે.

સ્પર્ધા-ભાગ ૨.
૨.

સ્પર્ધામાં ઈર્ષ્યા કરતાં જુદીજ રીત છે. સ્પર્ધામાં આપણે આપણા જ પ્રયત્નથી સામાની સમાન થવા મથીએ છીએ, અને સામાને આપણા પૂજય જેવું કે મિત્ર જેવું ગણીએ છીએ. સ્પર્ધા એજ આ જગતના નિર્વાહનું મુખ્ય ધોરણ છે. વેપાર રોજગાર, સંસાર વ્યવહાર, વિદ્યાવિનોદ, કશું સ્પર્ધા વિના ઉત્તમ થતું નથી. જેવું એક હોય તેવાં બીજા એ થવાનો પ્રયત્ન કરવો એજ સ્પર્ધાનું રૂપ છે, ને તેનાથીજ નવીન નવીન શોધ થવાનું સંભવે છે, વેપારથી થોડી કીમતે સરસ વસ્તુઓ વેચાય છે, સંસારમાં ઉત્તમ ગુણોનો પ્રકાશ પડે છે, ને વિદ્યાકલાનાં નવાં સાધનો હાથ આવતાં જાય છે. પણ ઈર્ષ્યાથી એમાંનું કશું થતું નથી. તે પોતે બળી મરે છે, ને ભેગી સામાને પણ બાળી નાખવાનું કરે છે. સ્પર્ધા, કાંઈને કાંઈ પેદા કરે છે, ઇર્ષ્યા, હોય તેનો નાશ કરે છે. માટે ઈર્ષ્યા સમાન દુર્ગુણ કે પાપ બીજું કોઈ નથી. તેમ સ્પર્ધા સમાન સારું લાભકારી બીજું કાંઈ નથી.

જ્યાં સુધી કોઈને હાનિ કરવામાં આવે નહિ ત્યાંસુધી, કોઇના સુખથી આપણને જે અણગમો પેદા થાય તે હાનિકારક નથી, ને તે ઈર્ષ્યા કહેવાય નહિ એમ કોઈ કહે તો તે મહોટી ભુલ છે. કારણ કે એટલું સમજવાનું છે કે વિચારમાં અને આચારમાં આ ઠેકાણે ઝાઝો તફાવત રાખવાનું કારણ નથી. નઠારો વિચાર એજ ઈર્ષ્યા છે, પછી તેનાથી તેવું કામ થાય કે નહિ એ જુદી વાત છે. એક વિચાર થયો તો તે કાલાંતરે પાકે થઇ કામ પણ કરાવનારોજ, માટે સર્વદા નઠારા વિચારથી તો બહુજ દૂર રહેવું. કાંઈ કરીએ ત્યારે જ ઈર્ષ્યા થઈ એમ સમજવું નહિ તેવો વિચાર રાખવો, તેવી વાણી ભાખવી, એજ ઇર્ષ્યા છે. પારકાના દુઃખથી આપણને સારૂ લાગે એ મહા પાપ છે, તેમ પારકાના સુખથી આપણને કલેશ થાય એ તેટલું જ મહાપાપ છે. સુખ દેખીને પ્રસન્ન થવું, અને મરજી હોય તો તેવાં થવા પ્રયત્ન કરવું, એજ ધમિષ્ટ અને સારાં મનુષ્યનું કામ છે. કેટલાંક એવાં નીચ હોય છે કે કોઈના શુભ સમાચાર સાંભળતાં જ તેમનું મોં કરમાય છે, કોઈને