આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
બાલવિલાસ.

પુરૂષ ઉભયને વિવાહની જરૂર છે. અન્યોન્યના પ્રેમથી કરીને, માણસનો, પોતાના એકલા ઉપરજ વળગી રહેવાનો સ્વાર્થવાળો સ્વભાવ ઘસાઈ જવા માંડે છે, ને એમ છેવટ જે સર્વત્ર એકસરખો પ્રેમભાવ થવાનો હેતુ છે, તેનો માર્ગ રચાય છે. અહીંથી જ ગૃહસ્થાશ્રમનો આરંભ થાય છે, વાગ્દાનથી પરણવા નક્કી કરેલી કન્યા, સમાવર્તન કરીને આવેલા, જેને સ્નાતક પણ કહે છે, તેવા વરને આપવામાં આવે છે. વિવાહનો વિધિ અને અર્થ સમજાવતા પહેલાં વિવાહ કેટલા પ્રકારના છે તે જાણવા જેવું છે. વિવાહ આઠ પ્રકારના છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસ, પૈશાચ; વિદ્યાશીલ સંપન્ન સ્નાતકને બોલાવી યથાશક્તિ અલંકાર ઇત્યાદિના દાન સહિત કન્યાદાન કરવું તે બ્રાહ્મવિવાહ યજ્ઞ કર્મમાં જે ઋત્વિજ હોય તેને યથાશક્તિ દક્ષિણા પૂર્વક કન્યાદાન તે દૈવવિવાહ, કન્યાને પાછી આપવા સારૂ, અને યજ્ઞ કર્મમાં વાપરવા માટે, એકાદ બે ગાયો લઈને કન્યાદાન કરવું તે આર્ષ એટલે ઋષિઓને વિવાહ. સાથે રહી ધર્માચરણ કરે એવા વચનપૂર્વક યથાશક્તિ વસ્ત્રાલંકાર સહિત કન્યાદાન તે પ્રાજાપત્ય વિવાહ. ધન લઈને કન્યા આપવી તે આસુર વિવાહ. પરસ્પર પ્રેમ થવાથી સ્ત્રી પુરૂષ પોતાની મેળે જ પરણે તે ગાન્ધર્વ વિવાહ. મારામારી કરી હરણ કરે તે રાક્ષસ વિવાહ, કેફી પદાર્થ આદિથી કે ઊંઘથી ભાન રહિત થયેલી કન્યાને ઉપાડી જવી તે પૈશાચ વિવાહ. આ બધામાંથી જુદા જુદા વર્ણપ્રમાણે જુદા જુદા પ્રકારના વિવાહ છે. પણ અસુર અને પૈશાચ તો બહુજ કનિષ્ટ છે, ને શાસ્ત્રે પણ ધિકારેલા છે. કન્યા આપવી એ એક દાન છે, એમાં બીજો કશો વિચાર કરવાનો નથી, કાંઇ લેવાનું નથી, માત્ર દાન લેનારની યોગ્યતા જોવાની છે. વિદ્યાસંપન્ન, સ્નાતક, તથા કુલશીલવાળો, આરોગ્ય અને નિર્વાહયોગ્ય, અને એકજ ગોત્ર કે કુલનો ન હોય, તેવા સમૃદ્ધિવાળાને કન્યાનું દાન કરવું. વિવાહમાં સંકલ્પજ એ પ્રમાણે થાય છે, તો હજુ નીશાળે ભણતા અયોગ્ય વયના બાલકને તેવીજ કન્યા વળગાડવી એ ખોટું છે.

હવે કન્યાદાનના વિધિનો થોડોક વિચાર કરીએ. વિવાહ વિધિના ઘણું કરીને છ મુખ્ય ભાગ થાય છે. મધુપર્ક, કન્યાદાન, કૌતુકાચાર, હોમ, અસ્મારોહણ, સપ્તપદી. કન્યાનું દાન આપવા બોલાવેલા વરને કન્યાનો પિતા મધ દહીં અને ઘીનો મધુપર્ક આપી પૂજા કરે છે, એ તેનો અતિથિ રૂપે આદર કર્યાનું લક્ષણ છે, પછી કન્યાના પિતાએ વર અને કન્યાની પુજા કરી, તેમને આશીર્વાદ આપી, સંકલ્પ કરવો, અને કન્યાનો હાથ વરના હાથમાં આપી કહેવું કે “પ્રજાપત્યાદિ દેવ પ્રસન્ન થાઓ. સર્વ દેવમય આ પુજયને હું મારી