આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭
સંસ્કાર ભાગ-૪.

પ્રેમનું એજ લક્ષણ છે કે એ રીતે સર્વને પોતાના હૃદયમાં રહેલા પ્રેમનું સુખ અનુભવાવવું. જે ઉત્તમ સ્ત્રીઓ ઉત્તમપણાના નમુના હોઈ સંસારમાં અનુકરણ કરવા યોગ્ય થઈ ગઈ છે, તે આવા પ્રેમવાળી હોવાથી જ થઈ ગઈ છે. એથી ઉલટું જે સ્ત્રી પોતાના ઘરની કશી વ્યવસ્થા રાખતી નથી, સહજ સહજમાં છોકરાંથી કંટાળે છે, પોતાનાં મોટેરાંની વાત સહન કરી શકતી નથી, ને પતિ બળ્યો ઝળ્યો ઘરમાં આવે કે તેના આગળ રોતી ને કકળતી એ બધી કથા કરવા તૈયાર જ હોય છે, તે આ સંસારમાં જન્મ્યા છતાં ખરી અભાગણી છે, તે પોતાનું સ્વરૂપ વિસરી ગઈ છે, ને તેથી પોતાને સર્વને દુઃખ રૂપ થઈ પડી છે. પોતાને દુ:ખ હોય તે બીજાને ન કહેવું કે પતિને ન જણાવવું એમ નથી પણ જે ઉત્તમ પ્રેમવાળી સ્ત્રીઓ છે તેમણે તો તેમ પણ કરેલું છે, ને પોતે પોતાનું દુઃખ ગુપ્ત રીતે વેઠયાં કરી પોતાના પતિના અવિશ્રમયુક્ત જીવનમાં ઝેર રેડયું નથી. પ્રેમ શાનું નામ છે? પ્રેમ એટલામાં જ રહેલો છે કે પારકાને અર્થે જ પોતે જીવવું, તો પ્રેમી સ્ત્રીને પોતાનાં કુટુંબી અને પોતાનો પતિ તેના કરતાં બીજા કોને પોતાનું જીવિત અર્પવાનું છે ? એમ ન સમજવું કે સ્ત્રીઓ આવું કરવામાં દુઃખ પામે છે, જે શુદ્ધ પ્રેમ સમજે છે તે સ્ત્રીઓ એમ વર્તવામાં જ આનંદ માને છે, તેમની રીતિ કૃતિ સર્વના સમજવામાં આવતાં જ સર્વે તેમને માન આપે છે, તેમને નમે છે, તેમને પુજે છે; તેમનાં સંબંધી તેમનો પતિ તે પણ તેમના ઉપર તેવો જ પ્રેમ રાખે છે. પ્રેમ પ્રેમને પેદા કરે છે.

જ્યારે સ્ત્રી પોતાનું ખરૂ બલ તજી, ખોટે માર્ગ બલવાન થવા ઈચ્છે છે ત્યારે જ કુટુંબકલેશ જન્મ પામે છે. સ્ત્રીનું રૂપ પ્રેમમય છે, સ્ત્રીનું ચિત્ત પ્રેમમય છે, સ્ત્રી પોતે જ પ્રેમ છે. એ પ્રેમનાં જ હથીયારથી જ્યારે સ્ત્રી સામાને વશ કરવાનું મૂકી પ્રેમથી ઉલટાં જે બલરૂપી હથીઆર તે વાપરવા જાય છે ત્યારે જ તે અનંત દુઃખમાં ફસાય છે. બીજી રીતે કહીએ તો સ્ત્રીઓ જ્યારે પોતાના ખાસ ગુણો તજી પુરૂષના ગુણો ગ્રહણ કરવા મંડે છે ત્યારે જ કુટુંબમાં કલેષ પેદા થાય છે. માટે નિરંતર પ્રેમભાવને કેળવવામાં અને પ્રેમભાવથીજ ઉન્નત થવામાં સ્ત્રીઓએ સર્વદા અભિમાન ધરવું કેમકે એમ કરવામાં જ તેમની સર્વ પ્રકારની સમૃદ્ધિ છે, તેમનું સર્વ જાતનું સુખ છે.