આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોનું ઘર ? :૯૫
 

આવો વિચાર આવતાં મારા શરીરમાં વેગ ચાલવા માંડ્યો. હું બેઠો થવા ગયો, પરંતુ મારાથી બેસી શકાયું નહિ અને મારું આખું શરીર થરથર ધ્રૂજવા માંડ્યું. મેં બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ મારી જીભ ચોંટી ગઈ હોય એમ મારાથી એક પણ શબ્દ ઉચ્ચારી શકાયો નહિ. આંખો પણ ખેંચાઈ ગઈ હશે, કારણ મારાથી પોપચાં બંધ થતાં નહોતાં એમ પણ મને ભાસ થયો.

વ્રજમંગળાએ એકદમ દોડીને મારી આંખ ઉપર હાથ દબાવી દીધા. મારામાં પૂરેપૂરું ભાન હતું, પરંતુ મારા દેહ ઉપર મારો જરા પણ કાબૂ નહોતો. જબરજસ્ત માનવી આટલો બધો અશક્ત અને પરવશ બની જતો હશે ? કઠણમાં કઠણ પરિસ્થિતિમાં ઝાડની ડાળ ઉપર મુશ્કેલી ભરેલી ઢબે કલાકો સુધી બેસી રહેનાર અને પાંચ છ માણસોને રિવૉલ્વરના ભયથી દૂર કરનાર પણ હું, અને તે પ્રસંગને ત્રીજે જ દિવસે મારા થરથરતા દેહનો એક કંપ પણ અટકાવી ન શકનાર તે પણ હું ! માનવીનું દેહસામર્થ્ય શા હિસાબમાં ? પોલીસ અને ઠગની ટોળી સામે જરા પણ ડર્યા વગર સામનો કરનાર હું આ મૃદુ સ્ત્રીના ઉપચાર વગર ખેંચાઈ ખેંચાઈ બેભાન બની કદાચ મૃત્યુ પણ પામ્યો હોત ! સામર્થ્યનું અભિમાન કોણ કરી શકે ?

એક માતાના વહાલથી વ્રજમંગળાએ મારી આંખો દબાવી અને જરા પણ સંકોચ વગર મારા થરથરતા દેહને પકડી રાખ્યો. થોડી વારે મારો થરથરાટ શાંત પડ્યો, મારી આંખો ખેંચાતી બંધ પડી અને નિયમિત રીતે મારી પાંપણો ઊઘડવા લાગી.

'હવે આંખો મીચી જરા સૂઈ જાઓ.’ વ્રજમંગળાએ કહ્યું. મારાથી બીજું કાંઈ થઈ શકે એમ હતું નહિ. મેં તેમના કહેવા પ્રમાણે આંખો મીચી દીધી, પરંતુ મારું મન નિદ્રા સહી શકતું નહોતું. ઓરડામાં કોઈના પગનો સંચાર થતાં મેં મારી આંખો ઉઘાડી. ખાદીનાં કાળા પટ્ટાવાળાં કપડાં અને ટોપી પહેરેલો એક પુરુષ ઓરડામાં દાખલ થયો હતો અને એક નાના મેજ ઉપર કાંઈ વાસણમાં ઢાંકીને કશી ચીજ મૂકતો હતો. મને નવાઈ લાગી. આવા પોશાકવાળા માણસો તો મેં જોયા છે ! ક્યાં ?

‘જરા દૂધ પીશો ?’ વ્રજમંગળાએ મને પૂછ્યું.

હું બોલવા ગયો પણ મને ઘણી જ અશક્તિ લાગી. આંખના જ ભાવથી મેં દૂધ પીવાની હા કહી. એક બાળકને જેવી કાળજી અને વાત્સલ્યથી માતા ચમચી ચમચી દૂધ પાય તેવી કાળજી અને તેવા જ વાત્સલ્યથી વ્રજમંગળાએ મને ચમચી ભરી દૂધ પાવા માંડ્યું. દૂધ પીધા પછી મને જરા શક્તિ આવતી હોય એમ લાગ્યું. મને વ્રજમંગળા માટે