આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનસિક ઘેલછા : ૯૯
 

થઈ ગઈ કે જ્યોતીન્દ્ર છત સાથે કચડાઈ ગયો છે. અને ખબર પૂછવાનું કારણ મુખ્ય તો એ જ કે મારી ભીતિ ખરી પડે છે એવો ભય રહ્યા જ કરતો. મને ભાન આવ્યા પછી મારી તંદુરસ્તી સારી રીતે સુધરતી ચાલી. પેલા ચીડિયા ડૉક્ટર સાહેબ પણ મારી સાથે જરા વાતો કરવા લાગ્યા હતા. હવે વ્રજમંગળા રાતદિવસ મારી પાસે રહેતાં નહોતાં, આખો દિવસ મારી સારવારમાં રહી રાત્રે તેઓ પોતાને ઘેર ચાલ્યાં જતાં. એકબે વખત પોલીસ કમિશનર પણ મને જોવા આવી ગયા.

હું મારા ઓરડામાં જરા જરા ફરવા લાગ્યો. નાનું બાળક પગ માંડતાં શીખે અને જે મુશ્કેલીઓ અનુભવે તે જ મુશ્કેલીઓ હું અનુભવતો હતો. પગ સ્થિર રહે જ નહિ, કેદી પરિચારકોના હાથ અને ખભાનો ટેકો લેવો પડે, અને કવચિત્ ખાટલાને ઝાલીને ફરવું પડે. હું જાણતો હતો કે સાજા, થઈને પણ પરિણામ તો કેસને અંતે મોતમાં જ આવવાનું હતું. પરંતુ જીવન એક એવી મોહિની છે કે છેલ્લી ક્ષણે પણ તેના ભણી લોલુપતાભરી નજર પડે જ.

આમ એક અઠવાડિયું વીતી ગયું હશે. એક દિવસ સવારમાં નિત્યક્રમ પ્રમાણે વ્રજમંગળા આવ્યાં, તેમની સાથે હિંમતસિંગ પણ હતા. તેમના મુખ ઉપર ચિંતાની ઊંડી છાપ પડેલી મારા જોવામાં આવી. મને પણ તેમનું મુખ જોઈ એકદમ જ્યોતીન્દ્ર માટે ચિંતા ઉદ્દભવી. મેં એકાએક પૂછ્યુઃ

‘જ્યોતીન્દ્રના કાંઈ ખબર ?’

વ્રજમંગળાએ તેમની ચિંતાગ્રસ્ત આંખો બરાબર મારા તરફ ફેરવી. આંસુથી આંખો ભરાઈ ગયેલી મને દેખાઈ. મને ધ્રાસ્કો પડ્યો. જ્યોતીન્દ્ર કચરાઈ ગયાની બાતમી ચોક્કસ મળી હશે કે શું ?

જરા રહી હૂસકું ખાઈ તેમણે પૂછ્યું :

‘તમને કશા ખબર નથી ?’

મને કશા ખબર હતા કે નહિ ? હું શું કહું? મને જે ખબર હતા તે મેં કહ્યા હોત તો જ્યોતીન્દ્રની આશા પણ કોણ રાખત ? પરંતુ મેં કહ્યું હોત તે કોઈએ માન્યું હોત. ખરું ? મેં હિંમતસિંગને અને પોલીસના માણસોને વીનવી વીનવીને નહોતું કહ્યું કે જ્યોતીન્દ્ર થોડી ક્ષણોમાં કચરાઈ જશે ? તેમણે કોઈ મારું કથન માન્યું નહોતું એટલું જ નહિ, પણ મને એક ગાંડા ખૂની તરીકે ગણી કાઢ્યો હતો.' જરા ગૂંચવાઈને મેં જવાબ આપ્યો :

‘ના, મને કશા જ ખબર નથી.'