આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
આપઘાત

ભર નિન્દ્રમાં જડવત વિશ્વે
મ્હાલે ઝગમગ રાત
શૂન્ય ગંભીર રાત્રિનું અંતર
સુણશે દુઃખની વાત ?
ન્હાનાલાલ

મારી ઘેલછાનો વિચાર આવતાં મેં આંખો મીંચી. મારા પૂર્વજોમાંથી કોઈમાં પણ ઘેલછાનો અંશ હોય એવું મારા જાણવામાં નહોતું. મેં ઘણી ભૂલો કરી હતી, જિંદગીમાં અનેક દોષો કર્યા હતા, ઘણી ઘેલછા કાઢી હતી; તથાપિ એવી જાતના માનસિક દર્દની મને અસર હોય એમ મેં કદી માન્યું નહોતું. એમ માનવા માટે મને કશું કારણ મળ્યું નહોતું. ડૉક્ટર અને પોલીસનો આવો અભિપ્રાય સાંભળી મને એમ થયું કે કદાચ હું વખતોવખત મારા મગજ ઉપરનો કાબૂ ખોઈ નાખતો તો નહિ હોઉં ? મેં મારા ભૂતકાળમાં નજર નાખી. એક્કે પ્રસંગે એવો જડ્યો નહિ કે જે મારા મનની અસ્વસ્થ દશામાં ઉદ્દભવ્યો હોય. છતાં આવી માન્યતા થવાનું કારણ શું ?

મેં થોડી વાર રહી આાંખ ઉઘાડી. વ્રજમંગળા ત્યાં હતાં નહિ. માત્ર ડૉક્ટર અને હિંમતસિંગ ઊભા રહ્યા હતા. મેં નમ્ર બની ડૉક્ટરને પૂછ્યું :

'ડૉક્ટર સાહેબ ! આપ મને ઘેલછા હોવાનું જણાવો છો. પણ મારા જીવનમાં કે મારા પૂર્વજોના જીવનમાં ઘેલછાનો જરા પણ અંશ દેખાયો નથી.'

'માનસિક દર્દોની દર્દીઓને ખબર હોય જ નહિ.'

'પણ એવાં કાર્યોની તો ખબર પડે ને ? ઘેલછા હોય તોયે ક્ષણિક હોય કે મુદતી હોય; બાકીના ગાળામાં તો બધી ખબર પડે જ.’

કશું કહેવાય નહિ; બંને પ્રકારો હોય છે. પોતાનાં કૃત્યોનો સ્વપ્ન સરખો ભાસ કેટલાકને રહે છે. અને કેટલાકને આવાં કૃત્યોની સ્મૃતિ બિલકુલ જતી રહે છે. પણ એ વિષે હમણાં તમને કંઈ કહેવાની જરૂર નથી. તમને જે કહેવાનું છે તે આ પોલીસ અમલદાર જણાવશે.'