આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કેસના ખબર:૧૧૫
 

પાડનારનો હું બચાવ કરું એવી લાગણીને વશ થઈ મારી અશક્તિનો ખ્યાલ કર્યા વગર જ હું ઘસ્યો. બારણા આગળ આવતાં જ મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું અને હું ઠરી ગયો. અંધકારભર્યા ખૂણામાંથી અંધકાર હાલતો હોય એમ મને લાગ્યું. અંધકાર હાલે ખરો ? પ્રકાશ આધોપાછો થતાં, અગર ઓછો વધારે થતાં પડછાયામાં હલનચલનનો ભાસ થાય છે, પરંતુ આ અંધકાર તો મારા તરફ ચાલ્યો આવતો લાગ્યો. મને ભ્રમ તો નથી થતો એવો ખ્યાલ અાવતાં. મેં આંખ ઉપર હાથ ફેરવ્યો. આછા પ્રકાશમાં એક અંધકારનો ટુકડો મારી સામે આવીને ઊભેલો મેં જોયો. મારું હૃદય ધડકવા લાગ્યું. અગમ્ય સત્તામાં હું માનતો નહિ. છતાં મને લાગ્યું કે કોઈ માનવ શક્તિ પર રહેલા સત્ત્વની સામે હું ઊભો છું, પેલી ચીસનો ખ્યાલ હું વીસરી ગયો, અને અંધકારની સામે સ્થિર બની ઊભો રહ્યો.

અંધકાર વચમાંથી ઊકલી જતો લાગ્યો. તેમાંથી એક સુંદર મુખ. બહાર નીકળી આવ્યું. મુખની આસપાસ તો ન સમજાય એવી કાળાશ જ હતી. મેં ઝડપથી વિચાર કર્યો કે આવો અંધકારપિછેડો ઓઢીને કોઈ પહેરેગીર મારી ઓરડી તરફ આવતો હશે. પરંતુ પહેરેગીરના મુખમાં આવું આકર્ષક સૌંદર્ય હોવાનું અશક્ય લાગ્યું. મેં ધારીને જોયું તો એ મુખ. સુંદર છતાં અતિશય સખત અને કડકાઈ ભર્યું હતું. હું ઓળખતો હોઉં એવો કેમ ભાસ થયો ? તેની આંખો વીજળી જેવા પ્રકાશથી ચમકતી હતી. અરુચિ ઉત્પન્ન થાય એવું સૌંદર્ય હશે ખરું ? એમ કોઈ પ્રશ્ન કરે તો તેને મારી સામે સ્થિર રહેલું મુખ દેખાડી શકાય એમ મને લાગ્યું. તેની આંખોના પ્રકાશથી હું ઝંખવાઈ ગયો, અને મારી આંખો તેની સામેથી મેં ખસેડી લીધી.

‘સુરેશ !' અંધકારથી વીંટાયેલું એ મુખ બોલ્યું.

મેં તેની સામે જોયું; તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન સમજી જઈને તેણે મુખ હસતું હોય એમ તિરસ્કારથી બોલ્યું :

‘મને ઓળખવાની તારે જરૂર નથી, બોલ તારે જીવવું છે ?’

‘મને જીવવાની જરા પણ પરવા નથી.' મેં એકદમ કહ્યું.

'ત્યારે તારે મરવું છે ?’

મને પેલું સ્વપ્ન યાદ આવ્યું. મારે મરવું હોય તો મારે બીજાની સહાય કે સલાહ લેવાની જરૂર જ નહોતી. મરવાની ખરેખર ઇચ્છા હોય તો આપઘાત એ સરળમાં સરળ રસ્તો છે. કર્મયોગીએ મને સ્વપ્નમાં એ જ કહ્યું હતું. મને એકદમ લાગ્યું કે કર્મયોગી જ મારી સામે ઊભો છે. તિરસ્કારથી મારું અંગે અંગ ધ્રૂજી ઊઠ્યું. મેં જવાબ આપ્યો :