આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
જ્યોતીન્દ્રની નોંધ

જગ ગજવજે ઘોર ગીતડાં
ઘડી નચવજે કાન્ત ચિત્તડાં.
ન્હાનાલાલ

સુરેશને યુક્તિ કરી તેના ઘર આગળ મેં ઉતાર્યો, અને હું મારે ઘેર જવા નીકળ્યો. પરંતુ મારે ઘેર જવું જ નહોતું. મારે પેલા બંસરીના મકાનમાંથી નીકળી આવેલા નવીન ગૃહસ્થને ઓળખવા હતા, અને કર્મયોગીનો આ કામમાં કેટલે અંશે સંબંધ છે તે નક્કી કરવાનું હતું. સુરેશ જેવો તેના મકાનમાં ગયો તેવી જ મેં મોટર પાછી બંસરીના મકાન તરફ હંકાવી.

"જેવો હું બંસરીના મકાન આગળ પહોંચ્યો તેવો જ હું એક વિચિત્ર ઘટના જોઈ ચમક્યો. કર્મયોગી બંસરીના મકાનમાં જતા હતા ! તેમને માટે એવી એક વાત સાંભળી હતી કે તેઓ મઠની બહાર બહુ નીકળતા નથી, એટલું નહિ પણ પોતાના શિષ્યોને ત્યાં તો કદી જતા નથી. અહીં ત્યારે તેઓ કેમ આવ્યા હશે ? શોકપ્રદર્શન માટે ?"

“મેં એક કાળો સાધુ જેવો ઝભ્ભો ઓઢી લીધો. પોશાકનો ફેરફાર એકદમ માણસની મુખાકૃતિને બદલી નાખે છે. જોડેના ખાંચામાં મારી મોટર ઊભી રાખી, મારો શૉફર મને દેખી શકે એવી રીતે તેને ઊભો રહેવા મેં કહ્યું, અને હું બંસરીના મકાનને ઓટલે ઊભો રહ્યો.

"એટલામાં શંકર મકાનની અંદર જતો હતો. તેણે મને પૂછ્યું : ‘કેમ બાવાજી ! બહાર કેમ ઊભા છો ?”

‘મને હુકમ છે.' મેં જવાબ આપ્યો. મને લાગ્યું કે શંકરે મને ઓળખ્યો નહિ એટલું જ નહિ પણ મારો ઝભ્ભો મને સાધુનું સ્વરૂપ આપતો હતો તેની પણ મને ખાતરી થઈ. મેં પૂછ્યું : ‘ગુરુદેવ ક્યાં સુધી અંદર બેસશે ?'

‘એ તો આખો દિવસ અહીં રહેવાના છે.’

‘મૂરખ છે તું ! તને શી ખબર ? જો જઈને પૂછી મને કહી જા. જો, મહારાજની જાતને ન કહેતો, પણ પેલા ભાઈ છે ને... શું એમનું નામ ?'

‘લક્ષ્મીકાન્તભાઈ.'