આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રનો બંદીવાન : ૯
 


‘મારો સંબંધ નથી ! ઓ ભલા માણસ ! તને શી ખબર છે કે આ કાર્ય સાથે મારે કેટલો સંબંધ છે ?'

'તે ગમે તેમ હોય. મને હુકમ છે કે આપને આગલા ખંડમાં બેસાડવા. પછી મારાથી તે વિરુદ્ધ આપને વર્તન કરવા ન દેવાય !’

‘ધારો કે હું ન આવું. તમે શું કરશો ?’

‘હું તમારો હાથ પકડી બહાર લઈ જઈશ.’

‘તો હું અહીંથી ખસતો નથી. તમને ફાવે તે કરો !’

સાર્જન્ટે ઝડપથી મારો હાથ પકડ્યો. દુનિયામાં હું બધી બાબતોમાં નિષ્ફળ નીવડ્યો હતો, તથાપિ તંદુરસ્તી અને શારીરિક બળ મારાં સચવાઈ રહેલાં હતાં. મેં તેનો હાથ છોડાવી દીધો અને તેની સામે થવાનો નિશ્વય કરીને હું ઊભો. આ કાર્ય બેવકૂફીભરેલું અને બિનજરૂરી જ હતું. પરંતુ કોણ જાણે તે વખતે મને એવી ઝાળ ચઢી કે મારું સઘળું ભાન ભૂલી પારકા ઘરમાં ઘરધણીના રખવાળ સાથે હું લડવા તૈયાર થયો ! સાર્જન્ટે ફરી ધીમે રહીને મારો હાથ ઝાલ્યો, અને મેં એવા જોરથી સાર્જન્ટને ધક્કો માયોં કે તે કમિશનરના ખંડના બારણા સાથે અથડાયો. અંદરની વાતચીત એકાએક શાંત પડી. સાર્જન્ટ ઊભો થયો અને મારા તરફ મુક્કો ઉગામી ધસી આવ્યો. એવામાં ઓરડો ઊઘડ્યો અને કમિશનર તથા અંદર બેઠેલા સઘળા બહાર આવ્યા.

‘સાર્જન્ટ ! જરૂર નથી, એમને છૂટા મૂકો.’ કમિશનરે કહ્યું.

જ્યોતીન્દ્ર મારી પાસે આવ્યો. તે મને મારો મિત્ર નહિ પરંતુ દુશ્મન લાગ્યો. તેનું મુખ શાંત હતું. તેણે શાંતિથી મને કહ્યું :

‘હવે ચાલ, બીજે ક્યાંક લઈ જાઉં.’

‘તું એમ કહે ને કે તું મને તારા કબજામાં જ રાખવા માગે છે ?’ મેં જણાવ્યું.

'તોયે શી હરકત છે ? તું કયે દિવસે મારા કબજામાં નહોતો ?'

‘તું મને ગુનેગાર માને છે, નહિ ?' મેં વાત બદલી સ્પષ્ટ પૂછ્યું.

‘એ પૂછવાની જરૂર નથી. તું ગુનેગાર છે ખરો ?’ તેણે પૂછયું.

‘જરૂર નહિ.'

‘તો પછી ભલે હું કે આખી દુનિયા તને ગુનેગાર માનીએ તને શી હરકત છે ?'

‘એટલે તમે બધા મારી તપાસ કરશો, અને હું ગુનેગાર નથી એવો મારે પુરાવો કરવો, ખરું ને ?'