આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
જ્યોતીન્દ્રની નોંધ

આર્ય સુજનતા દૈન્ય ગણી તો,
યુદ્ધ એ જ યુગધર્મ.
ન્હાનાલાલ

“મને થોડી વાર ઊભો રાખવામાં આવ્યો. અમારાં મુખ બંધ હતાં એટલે કોઈ કોઈને ઓળખી શકે એમ નહોતું. આખા મંદિરમાં દસબાર કરતાં વધારે માણસો ભાગ્યે જ હશે એમ મને લાગ્યું. મારી ફરજ જાણે પહેરો ભરવાની હોય એમ મને ભાસ થયો. મેં તે ભાવ બરાબર ભજવ્યા. એકાદ કલાક બાદ પાસેનું બારણું ઊઘડ્યું ને એક માણસ બહાર નીકળ્યો, તેણે મને અંદર જવા ઇશારો કર્યો. ઇશારો ન કર્યો હોત તોપણ હું બારણું ઉઘાડતાં અંદર જવાનો જ હતો. અંદર પેસતાં બરોબર મેં જોઈ લીધું કે ઓરડીના ત્રણે ખૂણા ઉપર એક એક માણસ ઊભો છે; મારે ચોથા ખૂણા ઉપર ઊભું રહેવું જોઈએ. હું ત્યાં જઈને ઊભો કર્મયોગી કુંજલતા ઉપર માનસિક બળનો - સંકલ્પ બળનો પ્રયોગ ચલાવતો મને દેખાયો. બંસરીનું ખૂન થયું જ છે અને તે એણે નજરે જોયું છે; એવી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવાનો કર્મયોગીનો પ્રયોગ હોય એમ મને ચોખ્ખું જણાયું. કુંજલતાના દેહમાં બંસરીના મૃતાત્માએ પ્રવેશ કર્યો હોય અને તે વિવેચન કરતો હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. સંકલ્પ બળ દ્વારા કેવી ખોટી વિચારસૃષ્ટિઓ વાહકહૃદયો દ્વારા ઉત્પન્ન કરી શકાય તેનું કર્મયોગી મને એક દુષ્ટાંત પૂરું પાડતો હતો. આવો બાહ્ય પ્રયત્ન કરવાની કર્મયોગીને જરૂર પડી એટલા ઉપરથી મને લાગ્યું કે બંસરીનું ખૂન થયું જ નથી. હું બધો પ્રયોગ જોતો હતો.

“હવે સુરેશની મને ચિંતા થઈ. તે કોઈને હાથ વળી પાછો સપડાયો હશે તો એવામાં એક જાળી તરફ સહજ પાંદડું હલ્યા જેવો બહુ મહેનતે સંભળાય એવો ખડખડાટ થયો. કોઈ પણ સંજોગમાં એ અવાજ તરફ ધ્યાન ખેંચાય એમ હતું જ નહિ. છતાં મારી નજર ત્યાં ગઈ. એક હાથ જાળી ઉપર મુકાયો હોય એવો મને ભ્રમ થયો. પછી મને લાગ્યું કે તે કદાચ પ્રકાશ અંધકારની રેખાઓથી ઊપજતો ભ્રમ પણ હોય.