આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬: બંસરી
 


‘હજી એ જીવતો છે એટલે હું એ વાત તને પુરવાર કરી આપીશ. અત્યારે મોડી રાત થઈ છે એટલે બધાં પોતપોતાને સ્થળે સૂઈ જઈએ.’

મેં ઘેર જવા તૈયારી કરી. વ્રજમંગળાએ કહ્યું :

‘આજની રાત અહીં રહેવાનું છે.'

પરણેલાં - અને તેમાંયે તત્કાળનાં પરણેલાં - યુગલોને યુગલોને આમ આગ્રહ કરી પારકે ઘેરે રાખવામાં શો અર્થ હશે એ હું સમજી શક્યો નહિ. અતિશય મહેમાનગીરી એ ક્રૂરતા બને છે એ વાત સહુએ સમજવી જોઈએ.

પરંતુ આમ ધારવામાં મારી ભૂલ થતી હતી. મારે માટે રાખેલા ઓરડામાં બળજબરીથી બંસરીને દાખલ કરાતી મેં જોઈ. અને મેં નિદ્રાવશ હોવાનો ઢોંગ કર્યો.

બંસરી મારી પાસે આવીને બેઠી, અને મેં નેત્રો ઉઘાડ્યાં.

‘જાગો છો ?' તેણે બહુ ધીમેથી પૂછ્યું.

‘હા. તારી મૂર્તિની કલ્પના કર્યા કરું છું.’

‘મારી મૂર્તિમાં તે એવું શું છે ?’

'તે જ હું જોઉં છું. આટલી આફતો ઊભી કરનાર એ રૂપ છેક પાસેથી કેવું લાગતું હશે !’

‘એમ જોયા ન કરો... મારી સામે. ટગર ટગર...'

‘કેમ ?'

'મને બીક લાગે છે.'

‘બીક લાગે છે ? મારી બંસરી ! તને આમ મારી સાથે જ જડી દઉં તો?'

મેં બંસરીને બાથમાં લીધી. આખી રાત બંસરીને અને મને કોનાં સ્વપ્ન આવ્યાં કર્યાં તે હજુ સુધી અમે કોઈને કહ્યું નથી.

• • •