આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨: બંસરી
 

મને બહુ અજાયબી લાગી. બંસરીનું ખૂન થયું અને વળી તેનો મૃતદેહ પણ અદૃશ્ય થયો ? જ્યોતીન્દ્રની પાછળ હું ઘસડાયો.

બંગલો જરા ઊંચાણ ઉપર હતો. બંગલાના બારણા પાસે એક પોલીસનો સિપાહી ઊભો હતો. કુટુંબનાં કોઈ સગાંવહાલાં જાણી તેણે અમને અંદર જવા દીધા. ઘરના નોકરચાકરો ટોળેવળી બેઠા હતા. તેમની નજર મારી સામે ફરી. એ નજરમાં જાણે મારા ઉપર આરોપ ન દેખાતો હોય એમ મને લાગ્યું. એક નોકરને જ્યોતીન્દ્રે બોલાવ્યો અને તેને પૂછ્યું :

‘અંદર કોણ છે ?'

‘કાકાજી, કાકી, બહેન : એ બધાં છે.'

‘અંદર ખબર આપ ને કે જ્યોતીન્દ્ર મળવા આવ્યો છે.'

નોકર અંદર ગયો. તેની પાછળ અમે પણ ગયા. નોકરે ઓરડામાં પ્રવેશ કરીને ખબર આપી. અંદરથી બંસરીના કાકાનો અવાજ સંભળાયોઃ

‘આ તે તમાશો છે કે શું ? કેટલા જણને મળવું છે ? જા, બોલાવ.'

‘બે જણ છે.' નોકરે મળવા આવનારની ખરી સંખ્યા બતાવી. જ્યોતીન્દ્રને અને મને કેવી જાતનો આવકાર મળશે તે અત્યારથી સમજાઈ ગયું. નોકર અમને અંદર લઈ ગયો. મને જોતાં બરોબર બધાં આશ્ચર્યમાં પડ્યાં. બૈરાં જમીન ઉપર બેઠાં હતાં અને એક નેતરની આરામખુરશી ઉપર બંસરીના કાકા મુકુંદપ્રસાદ બેઠા હતા. તેમના મુખ ઉપરથી તેઓ ભારે વેદનામાં ગિરફતાર થયેલા જણાતા હતા.

‘કોણ છો, ભાઈ ? અંદર આવો. પેલી ખુરશી ઉપર બેસો. બહુ ઘસડશો નહિ. મારાથી જરા પણ અવાજ વેઠાતો નથી.’

તેમની વેદના બંસરીના મૃત્યુ બદલની હતી, કે ખુરશીનો ખખડાટ સહન થઈ શકે નહિ એવા નાજુક બની ગયેલા તેમના જ્ઞાનતંતુઓ બદ્દલની હતી, તે મને પૂરું સમજાયું નહિ. તેઓ ભારે તબિયતી માણસ હતા તે હું જાણતો હતો, પરંતુ મને તેમનો પ્રત્યક્ષ અનુભવ ઘણો થોડો હતો. બંસરીના પિતા એક વર્ષ ઉપર ગુજરી ગયા ત્યાં સુધી તો તેઓ અહીં બહુ રહેતા નહિ પરંતુ પોતાને ગામ રહેતા, અને ન છૂટકે શહેરમાં ભાઈ પાસે આવતા. તેમનાં પત્ની ઘણુંખરું અહીં રહેતાં એટલે તેઓ મને ઓળખતાં. મુકુંદપ્રસાદને કોઈનો સહવાસ ગમતો નહિ, લાંબી વાતચીત કરવી પડે તોય તેમને કંટાળો આવતો. સવારે દસ અને પાંચ મિનિટે તેમ જ સાંજે સાત ત્રણ મિનિટે તેઓ કોઈની પણ પરવા રાખ્યા વગર જમી લેતા, અને વૈદકના ગ્રંથો વાંચી પોતાનો સમય વિતાવતા. એવી એવી કેટલીક હકીકત