આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪: બંસરી
 

કાયદાને ચેતન આપનાર પેલા જાદુગર વકીલો ક્યાં એમ માને છે ?’

‘ઠીક; એ બધું તું તારાં પુસ્તકોમાં લખજે. અને છપાવે ત્યારે તારા મૃત મિત્રને અર્પણ કરજે. પણ હવે મારે શું કરવું તે કાંઈ કહીશ ?’

‘ખાવું પીવું અને મોજ કરવી.' તેણે જવાબ આપ્યો. આ હૃદયહીન મિત્ર માટે મને એવો તિરસ્કાર આવી ગયો કે તેણે આપેલી પિસ્તોલ તરફ મારું ધ્યાન ગયું. શા માટે ચાલતી મોટરે તેના લમણામાં એક ગોળી ન મારું ? પરંતુ મને તત્કાળ વ્રજમંગળા યાદ આવ્યાં, તેમની ઘણી ઘણી મહેમાનગીરી અને ભાવ યાદ આવ્યાં. એટલામાં જ્યોતીન્દ્રે કહ્યું :

‘કેમ, પિસ્તોલ નથી મારવી ?’

હું ખરેખર ચમક્યો. મારું હૃદય ધડકધડક થવા લાગ્યું; વિચાર વાંચવાની શક્તિ પણ જ્યોતીન્દ્રમાં આવી જ્વલંત હતી, એવો કદી પણ મને ખ્યાલ નહોતો. પરંતુ મેં મારા વિચારો જણાવ્યા નહિ અને વધારે ખોટું લગાડવાનો ડોળ કરી મેં તેને પિસ્તોલ પાછી આપવા માંડી.

‘લે ભાઈ ! તારી પિસ્તોલને મારે શું કરવી છે ? તને વળી મારા ઉપર વહેમ આવ્યો ! એવું શા માટે ? એકને બદલે બે ખૂન તું મારે માથે ઓઢાડે એમ લાગે છે.' મેં પિસ્તોલ આપતાં કહ્યું.

‘જે વખતે મેં તને કહ્યું તે વખત પિસ્તોલ મારવાના વિચારમાં તું ન હોય તો તું કહે તેટલી રકમ હારી જાઉ, માત્ર બંસરીના સોગન ખાવા પડશે.' જ્યોતીન્દ્રે કહ્યું. પણ તેણે પિસ્તોલ લીધી નહિ.

મારું મકાન પાસે આવતું હતું. મેં કહ્યું : ‘મારે કશું કહેવું નથી, કોઈના સોગન ખાવા નથી અને શરત બકવી નથી. મને મારે ઘેર પહોંચાડ એટલે બસ.’

મારું ઘર આવતા મોટર ઊભી રહી. જ્યોતીન્દ્રે કહ્યું : ‘જો સુરેશ ! તારે અહીં ન ઊતરવું હોય તો મારે ત્યાં ચાલ, ત્યાં જમજે. એકલાં તને ગમશે નહિ. પણ પાછો તું કહીશ કે મારા પહેરામાં તને રાખવો છે માટે આગ્રહ નથી કરતો.'

‘મને એકલો જ રહેવા દે. તારી સોબત આજે હવે બહુ થઈ.’ એટલું કહી હું નીચે ઊતર્યો. મોટર ઝડપથી ચાલી ગઈ.

હું એકલો પડ્યો. ધીમે ધીમે મારા ઘરમાં મેં પ્રવેશ કર્યો. જે ઘરમાં લાખો રૂપિયાની લેવડદેવડ થતી હતી, તે ઘરમાં અનેક નોકરો અને મિત્રોની ગિરદી રહેતી, જે ઘરમાં આજે હું એકલો જ હતો. એક નોકર, એક