આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્ર: ૩૫
 


‘પેલા કર્મયોગીનું નામ સાંભળ્યું છે કે નહિ ? એમની બધી પ્રવૃત્તિ મારે જ લીધે થાય છે.' સુધાકરે કહ્યું.

ખરે, મેં કર્મયોગીનું નામ સાંભળ્યું હતું. તેમણે જનસમાજ ઉપર ધર્મસંઘમાં બહુ ઊંડી અસરો ઉપજાવવા માંડી હતી. તેમને નજરે જોનાર તેમને ખરા યોગી તરીકે પિછાની લેતા હતા; તેમનાં વ્યાખ્યાન સાંભળનાર એકદમ ધર્મભિમુખ થઈ જતા હતા અને તેમના સમાગમમાં આવનાર એકદમ તેમના શિષ્ય બની જતા હતા. ભણેલા અને અભણ, પુરુષો તેમજ સ્ત્રીઓ, હિંદુઓ તેમજ અન્ય ધર્મીઓ તેમનો સ્થિર ગંભીર દેખાવ અને તેમની વાણી ઉપર મુગ્ધ બની જતા હતા. નવાઈ જેવું એ હતું કે ઘણા મુસલમાનો અને પારસીઓ પણ પોતાને તેમના શિષ્ય તરીકે ગણતા. કર્મયોગીની ખરી ખૂબી એ હતી કે સહુ સહુને પોતપોતાનો ધર્મ પાળવાનો જ તેઓ આગ્રહ કરતા. તેઓ વ્યાખ્યાનો આપતા, ભજનમંડળીઓ સ્થાપતા, અને અધિકારીઓને પ્રાણાયામ તથા ધ્યાનધારણા પણ શીખવતાં. તેમનું સુંદર મુખ, સ્થિર આંખો, તેજસ્વી લલાટ, ખભા સુધી લટકતા વાળ, ધાર્મિક દેખાવમાં વૃદ્ધિ કરનાર શોભાયમાન દાઢી, એ બધું સર્વનાં વખાણનો વિષય હતો.

પરંતુ મને ધર્મ કે ધાર્મિક વિષયો પરત્વે બહુ લાગણી નહોતી; તેમાંયે ધાર્મિક ગણાતા પુરુષો તરફ મને એક જાતનો તિરસ્કાર હતો. મને ઘણાં માણસોએ કર્મયોગીના સમાગમમાં આવવા જણાવ્યું હતું. પરંતુ મારી માન્યતા એવી હતી કે ધર્મ સંબંધી વિવેચન કરવું એ નિરર્થક છે; બંધાઈ ગયેલા વિચારો છોડવા કોઈ તત્પર હોતું નથી. ચોક્કસ દલીલોનો તેમાં અવકાશ હોતો નથી. એટલે ધાર્મિક વ્યાખ્યાનો એ સમયનો ખાલી વ્યય મને લાગ્યા કરતો. એટલે હું કર્મયોગીનાં વ્યાખ્યાનોમાં કદી જતો નહિ.

એક દિવસ હું બંસરીને મળવા ગયો. અમને એવી રીતે સાધારણ મળવાની છૂટ હતી. તે ગ્રેજયુએટ થાય એટલે તેની સાથે મારું લગ્ન કરવાનું હતું. તે ગ્રેજ્યુએટ થઈ પરંતુ તેના પિતા તે પછી તરત મૃત્યુ પામ્યા એટલે લગ્ન થયું નહિ. ત્યાર પછી મને વ્યાપારમાં ખોટ આવી ગઈ એટલે હું પણ ગૂંચવણમાં પડ્યો. એવામાં એક દિવસ હું બંસરીને મળવા ગયો ત્યાં ખબર પડી કે તેની કાકી તથા કુંજલતા સાથે બંસરી કર્મયોગીનું વ્યાખ્યાન સાંભળવા ગઈ હતી. મને એ કાંઈ ઠીક લાગ્યું નહિ. સામાન્ય સમજવાળાં સ્ત્રીપુરુષોએ ધર્મની ઘેલછામાં પડવું ન જોઈએ, અને બંસરીની સમજ માટે તો મને માન હતું. મેં થોડી વાર રાહ જોઈ અને બંસરી આવી. મેં તેની મશ્કરી કરી, અને પૂછ્યું :