આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રોની વચમાં: ૪૩
 

જ્યોતીન્દ્રના તરફ શકભરી નજરે તેણે જોયું. તત્કાળ જ્યોતીન્દ્રે કહ્યું.

‘ચાલો, હવે હું જઈશ. તમારી વચમાં હું આવતો હોઉં એમ લાગે છે.'

'ચા પીને જા.'

ચા પીતે પીતે થોડી વાર તો કોઈ કાંઈ બોલ્યું નહિ. જ્યોતીન્દ્ર સુધાકરના મુખ તરફ જોયા કરતો હતો. તે એકાએક બોલી ઊઠ્યો :

‘સુધાકર ! સુરેશને માટે એકદમ આવો ભાવ તને ક્યાંથી આવી ગયો ?'

‘એના તરફનો મારો ભાવ આજનો નથી; તારે પૂછવું પડે એ જ નવાઈની વાત છે.' સુધાકરે કહ્યું.

‘તારે લીધે એને ખોટ આવી; એની મિલકતનું તારે લીધે લિલામ થયું; ને આજે જ એને માટે વકીલ રોકવા જેવી ઉદારતા તારામાં ક્યાંથી ઊભરાઈ આવી ?’

'મારે લીધે એને ખોટ ગઈ, મારે લીધે એણે મિલકત ગુમાવી, એ બધું ખરું, પરંતુ એ તો બોલની લડાઈ હતી. મર્દોની લડાઈ હતી. મિત્રોની આજુબાજુએ ફરી તેમનાં કાર્યોની ચાડી પોલીસને ખાવા જેવું એ કામ નહોતું. લડ્યા છતાં અમારી લાગણી ઓછી થતી નથી.' ઉશ્કેરાઈને સુધાકર બોલ્યો. જ્યોતીન્દ્રને ઉદ્દેશીને તેણે જે બોલ કહ્યા હતા તેની અસર જ્યોતીન્દ્રના ઉપર કેવી થાય છે તે મેં જોવા માંડ્યું. જ્યોતીન્દ્રના મુખ ઉપરની એક રેખા પણ બગડી નહિ. તેણે ચા પીતે પીતે સુધાકરના કથનને સંમતિ આપી.

‘એ તેં ઠીક કહ્યું. પોલીસ આગળ ચુગલી ખાનાર બદમાશોને સજા થવી જોઈએ.’

થોડી વારે તે ઊઠીને ચાલતો થયો. મેં પણ સુધાકરને જણાવ્યું કે ચંદ્રકાંતને મળવા માટે મારે જવાનું છે. સુધાકરે સાથે આવવા ઇચ્છા દર્શાવી.

'મેં પણ એને બહુ દિવસથી જોયા નથી, અને આપણે આજથી જ નવીનચન્દ્રને મળી લઈએ.’

‘નહિ; ચંદ્રકાંતને ત્યાં હું એકલો જઈશ. આપણે વકીલને ત્યાં ભેગા થઈશું.' મેં કહ્યું.

મને પેલા કાગળની સમજ પડી નહોતી એટલે આજે બધા જ તરફ મને અણગમો આવ્યો હતો. સુધાકરે કાંઈ વાંધો બતાવ્યો નહિ અને હું એકલો ચાલી નીકળ્યો.