આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો અકસ્માત

છતાં શીળા અગ્નિ ઉપર ચાલવું રે લોલ,
ફૂલ ફૂલે તો ઘડીનું એ ફાલવું રે લોલ.
ન્હાનાલાલ

એ ગૃહસ્થ મારી સાથે આવીને ક્યારે બેસી ગયા તે મને યાદ નથી. હું વર્તમાનપત્ર વાંચવામાં ઘણો જ મશગૂલ હતો. મને જરા આશ્વર્ય લાગ્યું. હું તેમને ઓળખાતો નહોતો. તેમણે મારું નામ કેમ જાણ્યું ? મેં તેમને જવાબ આપ્યો :

'હા જી, મારું નામ સુરેશ.’

એ ગૃહસ્થ બહુ ભલા દેખાતા હતા. તેમને જોઈને આપણને તત્કાળ વિશ્વાસ રાખવાનું મન થાય. તેમની ઉમર લગભગ પિસ્તાળીશ વર્ષની લાગતી હતી. તેમણે જણાવ્યું :

'હું તમને જ શોધતો હતો; તમારા પિતાની સાથે મારે ઘણી મિત્રાચારી હતી.'

મારા પિતા મારી બહુ નાની વયમાં ગુજરી ગયા હતા, અને ભણવામાં તેમ જ વ્યાપારમાં જીવન ગુજારેલું હોવાથી પિતાના મિત્રોનું મને કદી ઓળખાણ થયું નથી, અને તેવું ઓળખાણ કરવાની મેં પરવા પણ રાખી નહોતી. એટલે આ અજાણ્યા ગૃહસ્થ મારા પિતાના મિત્ર હોય તો તેમાં નવાઈ નહોતી. પિતાના મૃત્યુ પછી કેટલેક વર્ષે મારી માતા પણ ગુજરી ગઈ. પિતાએ અમારું સર્વનું સારી રીતે ગુજરાન થાય એટલી સંપત્તિ મૂકી હતી.

મિત્રો કે સગાંસંબંધીઓની સહાય બહુ લેવી પડે એમ નહોતું. મારી મોટી બહેન મારી તેમ જ મારી મિલકતની મારો અભ્યાસ પૂરો થતાં સુધી કાળજી રાખતી, અને પછી તો હું જ ભારે વેપાર ખેડી બેઠો એટલે માતા-પિતાનાં ભૂતકાળનાં સ્મરણ અને મોટી બહેનના ઉપકાર સિવાય બીજું કાંઈ સાંભરતું નહિ.

'નવીનચન્દ્ર વકીલ પણ મારા જૂના મિત્ર છે. તેમને ઘેર ઊતર્યો છું. ત્યાં તમારા વિષે વાત ચાલતી હતી. નવીનને તમારા તરફથી તમારા એક મિત્રે રોકી લીધા તે ઉપરથી તમારી હાલની સ્થિતિ વિષે ખબર પડી.'