આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો અકસ્માત: ૫૧
 


‘આવી જ વ્યવસ્થા રાખે છે કે ?’

પેલો માણસ બહારથી ચાવી ફેરવ્યા કરતો હતો. તેણે કહ્યું :

‘સાહેબ ! તાર બળી ગયા લાગે છે. હું ફાનસ લાવી ઠીક કરું છું.’ એટલું બોલી તે માણસ ચાલ્યો ગયો. તેનાં પગલાં પણ મેં સાંભળ્યાં. શિવનાથે કહ્યું :

‘આમ અંધારામાં કેમ બેસી રહેવાય ! ચાલો, બહારના ખંડમાં થઈને ચાલ્યા જઈએ.'

‘તાર બળી ગયા હશે એટલે બહાર પણ અંધારું હશે.' મેં કહ્યું.

‘પેલો માણસ કોણ જાણે ક્યારે આવશે !’ કહી શિવનાથ ઊઠ્યા અને આમતેમ ફરવા લાગ્યા. મારાથી તેમની આકૃતિ દેખાતી નહોતી. પરંતુ તેમના પગનું હલનચલન સમજાતું. હું પણ ઊઠ્યો અને અંધારામાં આમતેમ ફરવા લાગ્યો. પાંચેક મિનિટ થઈ હશે એટલે ઓરડાને બીજે છેડેથી શિવનાથનો અવાજ આવ્યો :

‘કંઈ ફસાયા તો નથી ? અંધારું અજબ લાગે છે.’

મને પણ એવો જ ભય લાગવો શરૂ થયો હતો, તે શિવનાથના આ ઉદ્ગારથી તીવ્ર થયો. આ કાવતરું મારી વિરુદ્ધ કે શિવનાથની વિરુદ્ધ છે તેની મને સમજ પડી નહિ. શિવનાથે દૂરથી મને પૂછ્યું :

‘તમારી પાસે કાંઈ હથિયાર છે કે ?'

‘હા, એક પિસ્તોલ છે.' જ્યોતીન્દ્રે આજ સવારે આપેલી પિસ્તોલ યાદ આવી.

‘મારી પાસે હજારેકની નોટો છે. તમે પાસે રાખી શકશો ?’ શિવનાથના પ્રશ્નનો મેં હામાં જવાબ આપતાં તેમણે મને પાસે બોલાવ્યો. હું પિસ્તોલ તૈયાર રાખી જેવો આગળ વધ્યો કે તરત જ મારા પગ કોઈએ ઝાલ્યા અને ખેંચ્યા; હું ભારે અવાજ સાથે જમીન ઉપર પટકાયો. મારા માથા ઉપરથી એક સનસનાટ કરતી ગોળી ચાલી થઈ.