આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પોલીસના કબજામાં: ૫૫
 

બસ હતો. હું મોટેથી બોલી ઊઠ્યો :

'હરામખોર ! શું કહે છે તું ? હું તને જ પહેલો વીંધી નાખું છું.’ એમ કહી મેં મારી રિવોલ્વર જયોતીન્દ્ર સામે ધરી. મેં એ રિવોલ્વર મારા મિત્રને મારી હોત કે નહિ તે હું અત્યારે કહી શકતો નથી, તથાપિ મારો તે વખતનો ગુસ્સો જોતાં સહુ કોઈને એમ લાગ્યું કે જ્યોતીન્દ્રનું માથું હમણાં જ મારી ગોળી વડે ભેદાઈ જશે. હિંમતસિંગે પાછળથી એકાએક ધસારો કરી મારા હાથને નીચે દબાવી દીધો એટલે મેં રિવોલ્વરની ચાંપ દબાવી જ નહિ. પોલીસના માણસોએ મને પકડ્યો. મેં છૂટવા માટે ખૂબ ફાંફાં માર્યાં, મારામાં હતું એટલું બળ અજમાવ્યું, અને દસેક મિનિટ સુધી પોલીસના બધા માણસોને હેરાન કર્યા, છેવટે ચાર-પાંચ મજબૂત માણસો આગળ મારું કાંઈ વધારે ચાલે એવી સ્થિતિ ન હોવાથી હું શાંત ઊભો રહ્યો.

'કેમ સાહેબ ! મેં શું કહ્યું હતું ? હવે આપની ખાતરી થાય છે ?' હિંમતસિંગે જ્યોતીન્દ્રને પૂછ્યું.

‘એટલે તમારે સુરેશને કબજામાં લેવો છે, એટલું જ કેની ? ભલે, પણ હવે હું અને તમે જુદે માર્ગે કામ કરીએ છીએ એટલું ધારી લેજો.’

'મેં તો પહેલેથી જ કમિશનર સાહેબને કહ્યું હતું કે અમને અમારી ધારણા પ્રમાણે કામ કરવા દો. આપે ઘણું વાંચ્યું હશે એની ના નહિ, પણ અમારો અનુભવ આપને ન જ હોય.' હિંમતસિંગે કહ્યું.

‘ઠીક, તો હું જાઉં છું. તમે બધી વ્યવસ્થા કરો. મને હવે પૂછશો નહિ.’ એટલું કહી જ્યોતીન્દ્ર એક શબ્દ પણ બોલ્યા વગર ઓરડામાંથી બહાર નીકળી ગયો. હવે હું પોલીસનો બરાબર બંદીવાન થઈ ચૂક્યો.

હિંમતસિંગે મારી રિવોલ્વર લઈ લીધી હતી. હવે તેણે ખિસ્સામાંથી એક ચમકતી બેડી કાઢી અને મારા ભારે અણગમા વચ્ચે મારા બંને હાથ ભેગા કરી તેના ઉપર ચડાવી દીધી. ઉત્તમ પોલાદની બેડી દીવાના પ્રકાશમાં ચમકતી ચાંદી સરખી લાગતી હતી. પરંતુ બેડીના દેખાવથી મોહિત થવું હોય તો તે બીજાને હાથે પહેરાવેલી હોવી જોઈએ, પોતાને હાથે નહિ ! મારા જન્મારામાં પહેલી વાર ખરેખરા બંધનનો મેં અનુભવ કર્યો. એક ક્ષણ પહેલાં હું છૂટો હતો; આ બેડીએ એકદમ મને પરતંત્ર અને પાંજરામાં પૂરવા લાયક મનુષ્યોની હારમાં મૂકી દીધો ! શિવનાથની સહાય મળશે એ ધારણાથી હું તેમની સાથે આવ્યો ત્યારે નસીબે જોર કર્યું અને તેમના જ ખૂનનો પ્રયત્ન મેં કર્યો હતો એવો સંજોગ લાવીને ખડો કરી દીધો. પોલીસનો પણ શો વાંક ? આવી સ્થિતિમાં બીજા કોઈ હોય તે પણ મને ગુનેગાર ઠરાવે.