આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
મોતની ક્ષણ

પ્રત્યાઘાતો વિષમ તમના સર્વથા ગાજતા'તા,
તારાઓની દ્યુતિ વિસ્મતી આભનાં આંગણામાં.
ન્હાનાલાલ

સ્ત્રીએ આંખો બંધ કર્યા પછી સામે બેઠેલા પુરુષે ઘંટડી વગાડી. સામે બેઠેલા પુરુષનો પહેરવેશ અને દેખાવ જોતાં તે કોઈ સાધુ સરખો લાગ્યો. આંખો ઉપરથી પેલી સ્ત્રીએ હાથ ખસેડી લીધા. પાંચ મિનિટ બધાં જ સ્થિર અને શાંત રહ્યાં. પછી પેલા પુરુષે પૂછ્યું :

‘તું કોણ છે ?’

‘હું ? કોણ હોઈશ? મને ખબર પડતી નથી.’

‘ફરી અંદર જો... હવે કહે, તું કોણ છે ?'

‘હા, હા... કહું. કહું કોણ છું ?’

‘ઓળખી કાઢ.'

‘ઓળખી.'

‘કોણ છું ?’

‘બંસરી.'

હું ચમક્યો. એવો ચમક્યો કે મારા હાથ ખસી ગયા અને સ્વરક્ષણના કુદરતી નિયમે પૂરું જોર ન કર્યું હોત તો હું ઊંચી ડાળ ઉપરથી ધબાકા સાથે નીચે પડત. હું સ્વરક્ષણના બળે પડતો અટક્યો. માત્ર મારા ચમકવાથી થોડાં પાન હલ્યાં. તત્કાળ પેલા માણસે જાળી ભણી આંખ ફેરવી. હું પાંદડાંનાં ઝુંડમાં કારના આશ્રયે લપાયો હોવાથી તે મને જોઈ શક્યો નહિ. મારે શું કરવું તેનો હું ઝડપથી વિચાર કરવા લાગ્યો. બંસરી અહીં જ છે તો પછી હું જાતે જાહેર થઈ મારી પ્રિયતમાને કેમ ન મળું ? જે સંજોગોમાં બંસરી અહીં બેઠી હતી તે સંજોગોનો વિચાર કરતાં એકદમ જાહેર થવું એ પણ સલામતીભર્યું લાગ્યું નહિ. શા કારણે તેને આવા ભેદી મકાનમાં રાખી હશે? કોણે તેને આવા ભયભર્યા સાધુની સંગતમાં મૂકી હશે ? આ સઘળા પ્રશ્નોનું નિરાકરણ થયા સિવાય મારાથી હવે ખસાય એમ હતું જ નહિ.