આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોતની ક્ષણ : ૭૧
 


મને ભય લાગ્યો કે બંસરીની આવી દુર્બળ મનોદશા કેવી રીતે કરી નાખી હશે ? શું તેને કાંઈ ઔષધ કે કેફ તો નહિ પાયું હોય ?

‘જો મારી સામે બરોબર જો. તું ક્યાં છે ?’

‘હું ક્યાં....? હા.. ના... મને કહો હું ક્યાં છું ?'

‘કેમ લવે છે ? સ્થિરતાથી જોતાં શું થાય છે ? કહે, તું ક્યાં છે ?' પેલા સાધુની આંખમાંથી અગ્નિ ચમકતો હોય એમ મને લાગ્યું. ‘માફ કરો ! હું ભૂલી ગઈ, હું સંભારી કાઢું.’

‘ચાલ, જલદી કર ! સવાર પડવા આવ્યું છે.'

સ્ત્રીએ પાછા હાથ આમતેમ હલાવ્યા.

‘હું આપની પાસે છું, આપના ધ્યાનમંદિરમાં છું.’

'તને ધ્યાન મંદિર ગમે છે, ખરું ?’

'હા. જી.'

'તને હું પણ ગમું છું, ખરું ?’

'હા. જી.'

આપોઆપ મારા દાંત કચકચી ગયા. બંસરી આ શું બોલે છે ? આ પાપી સાધુ એને ગમે છે ? પ્રેમના પડછાયા જેવી અસૂયાએ 'ગમવું’ એ ક્રિયાપદનો મારે માટે મેં એક જ અર્થ કરી રાખ્યો હતો, અને એ શબ્દનો મારા સિવાય બીજા માટે પ્રયોગ થાય જ નહિ એવો વ્યાકરણનિયમ પણ મેં ઘડી રાખ્યો જણાતો હતો. નહિ તો મારી પ્રિયતમા મને ચાહે છે એટલા જ ઉપરથી મારા સિવાય આખી દુનિયાના પુરુષો તેને દીઠે ગમતા નથી એમ તેની પાસે કહેવડાવવાનો મને શા માટે આગ્રહ રહેવો જોઈએ ?

સ્ત્રીનું કપડું અને તેના છુટ્ટા વાળ આછી પવનની લહરીમાં હલતાં હતા.

‘બંસરી !' સાધુએ તેને બોલાવી.

'તું ક્યાં હતી ?’

‘સ્વર્ગમાં કહું ?’

'તે તું જાણે. તું જ્યાં હતી ત્યાંનું નામ આપ.’

‘આપને શું અજાણ્યું છે ?'

‘તું જ્યાં સુધી કહેશે ત્યાં સુધી કશી ખબર પડશે નહિ.’

‘હું ઊંચે ઊંચે પ્રકાશમાં ઊડતી હતી. મેં આખો દિવસ ઊડ્યા કર્યું. પણ મને થાક ન લાગ્યો. હું ક્યાં હતી. ગુરુદેવ ? એ જ સ્વર્ગ ને ?’