આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮: બંસરી
 

કદાચ એને પણ મૃત્યુનું સામીપ્ય દેખાયું હશે, તે શાંત ઊભો હતો. ચારે પાસ કવચિત્ નજર ફેંકતો હતો. એમાંથી છૂટવાનો મને તેમ જ એને એક્કે માર્ગ જડતો ન હોય એમ લાગ્યું. હું ફરી બૂમ પાડી ઊઠ્યો :

'હિંમતસિંગ ! આ સ્થળે જ્યોતીન્દ્રનું ભયંકર રીતે ખૂન થાય છે. હું એક રૈયત તરીકે તમને જાહેર કરું છું કે આ મકાનની અંદર જઈ એ ઘાતકી પ્રસંગ તમારે અટકાવવો જોઈએ.’

મારી પાસે ઊભેલા સિપાઈએ મારું ગાંડપણ વધારે પ્રગટ થાય છે ધારી મને વધારે જોરથી દાબ્યો.

હિંમતસિંગે બૂમ મારી, પરંતુ જ્યોતીન્દ્રને આમ છોડીને હું કેવી રીતે ખસી શકું તે મને સમજાયું નહિ. ઉપર ચઢ્યા જતા માળ ઉપર ઊભો ઊભો જ્યોતીન્દ્ર છત ઉપર હાથ ફેરવવા માંડ્યો. તેનું મસ્તક ખરેખર હવે છતને અડક્યું. જ્યોતીન્દ્ર જરા નીચો નમ્યો. આખો માળ જ્યાં ઊંચકાતો હતો. ત્યાં ભીંતની બાજુમાં અગર બીજે કાંઈ પણ પોલાણ રહે એ અસંભવિત હતું. જે જમીન ઉપર તે ઊભો હતો. તે જમીન પર ધીમે ધીમે તેણે પગ પછાડ્યા. નક્કર પાટિયાં ઉપર જ પગ પડતો હોય એવો અવાજ આવ્યો. મને પરિસ્થિતિ તદ્દન નિરાશાજનક લાગી. ઉપરની છત સાથે મળતાં પાટિયાં ચોંટી જશે અને જ્યોતીન્દ્ર કાંઈ પણ બચાવ વગર આપોઆપ કચરાઈ મળી જશે એવી મારી હવે ખાતરી થઈ. હું માનસિક વ્યથાથી ઘેલો બની ગયો. દુશ્મનને પણ આવી ઢબે કચરાઈ, રિબાઈ, બેહાલ મરતો જોવો એ અશક્ય છે, તો મારા પરમ મિત્રને આ રીતે મરતો જોવો એ અસહ્ય અને મને ઘેલો બનાવી દે એવું હતું.

મેં કહ્યું :

‘તમને ફાવે તે કરો, હું નીચે નથી ઊતરતો. અંદર એક માણસ મરે છે એનું તમને ભાન છે ?’

‘માણસ મારવાનો શોખ તમને છે, એટલે કોઈને મરતાં જોઈ તમને મજા પડતી લાગે છે.' હિંમતસિંગે કહ્યું.

'તમારે આમ બોલતાં શરમાવું જોઈએ.' મેં કહ્યું.

‘પોલીસની સામે થતાં તમારે શરમાવું જોઈએ.’

‘માણસને મરતો જોવા છતાં તેને બચાવવો નહિ એ પોલીસ પોલીસના નામને લાયક નથી.'

‘અમે તો કોઈનું ખૂન થતું જોતા નથી, તમને ભલા ખૂનનાં સ્વપ્નાં આવ્યા કરે છે !’