આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૩
ખેડૂતોના સરદાર

“મારું પેટ ખેડૂતોનાં દરદથી ભરેલું છે. હું પ્રભુ પાસે રાતદિવસ એટલું જ માગ્યા કરૂં છું કે ખેડૂતોની સેવા કરતાં મારાં હાડ પડે.”

અરસામાં વલ્લભભાઈનું નામ ‘ખેડૂતોના સરદાર‘ પડ્યું. એ ક્યાં અપાયું, કોણે આપ્યું એ હું શેાધી શક્યો નથી, પણ જેણે એ સાંભળ્યું તેણે એ ઉપાડી લીધું. અને કેમ ઉપાડી ન લે ? જેણે જેણે એમનાં ભાષણો વાંચ્યાં અને સાંભળ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલો એમનો ભેખ જોયો, ખેડૂતને માટે ઊકળતું એમનું હૈયું જાણ્યું, ખેડૂતનાં દુઃખોનું એમનું જ્ઞાન જાણ્યું. ખેડૂત કેવાં કષ્ટ ખમી ખેતી કરે છે, ખેડૂતની ઉપર ક્યાં ક્યાંથી કઈ કઈ જાતના માર પડે છે એ વિષેનું તેમનું જ્ઞાન જાણ્યું. એક સ્થાને શ્રી. વલ્લભભાઈને માનપત્ર આપવામાં આવ્યું હતું તે માનપત્ર વાંચતાં એક ભાઈ એ કહેલું : ‘આપની આગળ ખેડૂતનાં દુઃખ રડી સંભળાવવાં એ માતાની આગળ મોસાળની વાત કરવા બરોબર છે.’ એ યથોચિત હતું. માતાને જેવું મોસાળનું જ્ઞાન છે તેવું વલ્લભભાઈને ખેડૂતનું જ્ઞાન છે. પોતે ખેડૂતના દીકરા હોઈ નાનપણમાં આંક, પલાખાં, પાડા, લેખાં પિતાની સાથે ખેતરે જતાં જ શીખેલા, તેમને ખેડૂતના જીવનની જાણ કેમ ન હોય ? તેમનાં અનેક ભાષણોમાં તેઓ ખેડૂતની સેવા કરવાની પોતાની લાયકાતની ખેડૂતોને અને સરકારને જાણે ખાતરી આપતા હોય એમ લાગે છે : ‘તમે જાણતા ન હો તો હું તમને કહું છું કે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનું લોહી મારા હાડમાં વહે છે. મને ખેડૂતનું કંગાળપણું સાલે છે, ખેડૂતના દર્દથી મારું દિલ દુઃખી રહે છે.’

ગાંધીજીએ સાચું હિદુસ્તાન ક્યાં છે એ વાત જે દિવસથી તેઓ દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાન પાછા ફર્યા તે દિવસથી દેશના કેળવાયેલા વર્ગના મન ઉપર ઠસાવવામાં કચાશ નથી રાખી, અને

૯૪