આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩ મું
ખેડૂતોના સરદાર
 


એક ભાષણ ખેડૂત વિષેની પોતાની અંતર્વેદનાથી શરૂ કરેલું :

“આખું જગત ખેડૂત ઉપર નભે છે. દુનિયાનો નિર્વાહ એક ખેડૂત અને બીજો મજૂર એ બે ઉપર છે. છતાં સૌથી વધારે જુલમ કોઈ સહન કરતા હોય તો આ બે છે. કારણ તેઓ બંને મૂંગે મોઢે જુલમ સહન કરે છે. હું ખેડૂત છું, ખેડૂતના દિલમાં પેસી શકું છું, અને તેથી તેને સમજાવું છું કે તેના દુઃખનું કારણ તે પોતે હતાશ થઈ ગયો છે, આવડી મોટી સત્તા સામે શું થાય એમ માનતો થઈ ગયો છે, એ જ છે. સરકારને નામે એક ધગડું આવીને પણ તેને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય. સરકાર ઈચ્છા આવે તેટલો કરનો બોજો તેના ઉપર નાંખે છે. વર્ષોની મહેનત કરી ઝાડ ઉછેરે તો તેના પર વેરો, ખેતર ખોદી પાળ બાંધી ક્યારી કરે તેના ઉપર વેરો, ઉપરથી વરસાદનું પાણી ક્યારીમાં પડે તેના ઉપર જુદો વેરો, કૂવો ખોદી ખેડૂત પાણી કાઢે તો તેના પણ સરકાર પૈસા લે. વેપારી ટાઢે છાંયે દુકાન માંડી બેસે તેને બે હજાર વાર્ષિક આવક સુધી કશો કર નહિ, પણ ખેડૂતને વીઘું જમીન જ હોય, તેની પાછળ બળદ રાખતો હોય, ભેંસ રાખતો હોય, ઢોર સાથે ઢોર થતો હોય, ખાતરપૂંજો કરતો હોય, વરસાદમાં ઘૂંટણસમા પાણીમાં વીંછીઓ વચ્ચે હાથ ઘાલીને તે ભાતની રોપણી કરે. તેમાંથી ખાવાનું ધાન પકવે, અને દેવું કરીને બી લાવે, તેમાંથી થોડો કપાસ થાય તે પોતે બૈરીછોકરાં સાથે જઈ ને વીણે, ગાલ્લીમાં ઘાલીને તે વેચી આવે, આટલું કરીને પાંચપચીસ તેને મળે તો તેટલા ઉપર પણ સરકારનો લાગો !”

આના કરતાં વધારે તાદૃશ ચિતાર બીજો કયો હોઈ શકે ? બીજે એક ઠેકાણે કહેલું :

“ખેડૂત ડરીને દુઃખ વેઠે ને જાલિમની લાતો ખાય એની મને શરમ આવે છે, ને મને થાય છે કે ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું. એટલું કરીને મરું તો મારું જીવ્યું સફળ માનું.”

બીજે એક ઠેકાણે કહેલું :

“જે ખેડૂત મુસળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં ખેતી કરે, મારકણા બળદ સાથે કામ લે, ટાઢતડકો વેઠે એને ડર કોનો ?”

જેટલે અંશે ખેડૂત પોતાની દશાને માટે જવાબદાર છે તેથી ઘણે મોટે અંશે સરકાર જવાબદાર છે. એટલે ખેડૂતની અસહાય દશાનો લાભ લેનારી સરકાર વિષે જયારે વલ્લભભાઈ બોલે છે ત્યારે તેમના દુઃખ અને રોષની સીમા નથી રહેતી :

“સરકાર મોટી શાહુકાર અને ખેડૂત ભાડૂત એ ક્યારથી થયું ? મનસ્વી રીતે મરજીમાં આવે તેવું તેની પાસે લેવામાં આવે છે.

૯૭