આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ખેડૂતને સરકાર મારે છે, અને આપણા ભણેલાઓ જે તેના હાથારૂપ બને છે તેઓ મારે છે.’

વૉલ્ટેરનું એક તીખું વચન છે કે ‘રાજદ્વારી પુરુષોએ પોતાના રાજકાજમાંથી એક કળા કેળવી છે, જેથી જમીન ખેડીને લોકોને અન્ન ખવડાવનાર વર્ગને ભૂખે મારવાનું સહેજે બની શકે.’ પ્રજાના ઉપર થતા અન્યાય અને અત્યાચાર સામે લડવાની શ્રી. વલ્લભભાઈની ઝનૂનને કોઈની ઝનૂનની સાથે સરખાવી શકાય તો તે વૉલ્ટેરની ઝનૂનની સાથે જરૂર સરખાવી શકાય. શ્રી. વલ્લભભાઈ એ વૉલ્ટેરનું નામ પણ કદાચ ન સાંભળ્યું હોય, પણ વૉલ્ટેરનું ઉપર ટાંકેલું વચન જાણે તેમની રગેરગમાં ઊતરી ગયું હોય એમ લાગે છે. અને ગરીબ ખેડૂતને રેંસનારા વિષે, ભોળા ખેડૂતના અજ્ઞાનનો લાભ લેનારા વિષે, જ્યારે જ્યારે તેઓ બોલે છે ત્યારે ત્યારે વૈરની કલમની માફક વલ્લભભાઈની જીભમાંથી વહ્નિ વર્ષે છે.

ખેડૂતને માટેનો તેમનો ઊભરાઈ જતો પ્રેમ બારડોલીમાં જેવો જોવાનો મળ્યો તે ભાગ્યે જ ક્યાંય જોવાને મળ્યો. બારડોલીથી ગામડે જવા નીકળવું, ગામડે મધરાત સુધી સભા ચાલે, રસ્તે આવતાં મોટરમાંથી ઊતરી પડી ચારપાંચ માઈલ ચાલી નાંખવું, એ એમની બારડોલીની રોજની દિનચર્યા થઈ પડી હતી. ચારચાર પાંચ પાંચ સભાઓમાં ભાષણ કર્યા છતાં તેમને મધરાતે કહેવામાં આવે કે હજુ એક ગામ રહ્યું છે, તો ત્યાં જવાને પણ તેઓ તૈયાર થવાના જ. આનું કારણ એક એ પણ હતું કે ખેડૂતોને માટેનો તેમનો સ્વાભાવિક અનુરાગ બારડોલીમાં વૃદ્ધિ પામ્યો. ‘ખેડૂત જેવો પ્રામાણિક માણસ, જેને કોઈ બૂરું વ્યસન નથી, જે કશો ગુનો કરતો નથી, જે જાતમહેનતથી પરસેવો પાડીને રોટલો ખાનાર છે, જે ઈશ્વરથી ડરનારો છે તેને ઈશ્વર સિવાય બીજા કોનો ડર હોય ?” આમાં વિરોધાભાસ છે. આટલો સ્વચ્છ અને પવિત્ર જે હોય તે નીડર હોવો જોઈએ. એ વિરાધાભાસ શ્રી. વલ્લભભાઈ નથી જાણતા એમ નથી, પણ પોતાના આદર્શ ખેડૂતનો ચિતાર એમણે એ શબ્દોમાં આપી દીધો છે,

૯૮