આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખામેશીના પાઠ
 


લખેલો કે એ કશી ખાત્રી માનવી નહિ, ને બારડોલીના પોચા ખેડૂતો ટકી શકશે નહિ. પણ બે માસ પહેલાં તો શ્રી. વલ્લભભાઈ પોતે પણ આજની તમારી તૈયારી માની શકત નહિ. બારડોલી તાલુકાના ખેડૂતો જો આ લડત માટે તૈયાર થઈ શકે છે તો તેઓ સ્વરાજ્ય પણ લઈ શકે. હું માનું છું કે અંગ્રેજી રાજ્યના કફનમાં આ લડતથી પહેલો ખીલો ઠોકાશે. આ દેશની પ્રજા સ્વરાજ્ય માટે લાચક છે એ આ લડતથી દુનિયાની સામે સિદ્ધ થઈ જશે. કોઈ પણ સ્વતંત્ર દેશની પ્રજા પણ પોતાના હક માટે આથી વધારે ન કરી શકે. સરભોણમાં મને એકવાર એક વૃદ્ધ અનાવિલ ભાઈએ કહેલું કે અમે તો ગાય જેવા છીએ, અમને વાઘથી બચાવો. મેં કહ્યું : જ્યાં સુધી ખેડૂત ગાય રહેશે ત્યાં સુધી તેને વાઘનો ભય રહેવાનો જ. તેણે પોતે ગાય ટળી વાઘ થવું જોઈએ. હવે હું તમારામાં એવું સ્વસંરક્ષણનું બળ આવેલું જોઈ રાજી થાઉં છું. તમે જે વચન શ્રી. વલ્લભભાઈને આપ્યું છે તે તેમને એકલાને જ આપ્યું છે એમ ન સમજજો, એ વચન તો તમે આપણી માતૃભૂમિને આપ્યું છે, પરમેશ્વરને આપ્યું છે. જો બધા એકસંપથી રહેશે તો ખાત્રીથી માનજો કે સરકાર કંઈ કરી શકનાર નથી.”

રાવ બહાદુર ભીમભાઈની વાણીમાં પણ જાણે જોશીલા ખેડૂતોને જોઈ ને નવું જોમ આવ્યું હોય તેમ તેઓ બોલેલા :

“વલ્લભભાઈની કાર્યપદ્ધતિમાં અને અમારીમાં ફેર છે, પણ આ લડતમાં અમે એક છીએ. કારણ આ લડતના પક્ષમાં સત્ય છે. ગમે તેટલી હોવિટ્ઝરો કે વિમાનો લાવીને ગોઠવે તોપણ ખેડૂતને અસંતુષ્ટ રાખીને કોઈ રાજ્ય નભી શકતું નથી. મેં અગાઉ કહેલું ને ફરીવાર કહું છું કે અંગ્રેજ રાજ્યનો પાયો પણ ખેડૂતના અસંતોષથી જર્જરિત થશે; તેથી હું અહીંથી ફરી એકવાર સરકારને વિનંતિ કરું છું કે હજી પણ ખેડૂતને સંતોષ આપો, નહિ તો જે કાંઈ પરિણામ આવશે તેનો દોષ સરકારને શિર રહેશે.”

આ અનુભવો પછી બધા સભ્યો સત્યાગ્રહી ખેડૂતોની સાથે સક્રિય સહાનુભૂતિ શી રીતે બતાવવી તેનો વિચાર કરતા બારડોલીથી વિદાય થયા.

સરદાર વલ્લભભાઈ હવે પોતાની શક્તિ અને પોતાના બળની ગણત્રી કરી રહ્યા હતા, હવે પછીથી આવનારા હુમલાની પેરવી શી રીતે કરવી તે વિચારી રહ્યા હતા. જેટલી ઘડી તેઓ

૧૦૧