આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ મું
ખામોશીના પાઠ
 

 મોટર ભાડે કરવા ઊપડ્યા. મોટરના ડ્રાઈવરે મોટર આપવાની ના પાડી, કારણ સત્યાગ્રહીઓએ તે મોટર રોકેલી હતી. એનું લાઈસન્સ માગવામાં આવ્યું તે નહોતું, પણ પિત્તળનો બિલ્લો તેની પાસે હતો તે લઈ લેવામાં આવ્યો. બીજા ટૅક્સીવાળાની ટૅક્સી શ્રી. વલ્લભભાઈને માટે રાખેલી હતી. તેની પાસેથી પણ તેનું લાઈસન્સ લઈ લેવામાં આવ્યું. કલેક્ટર સાંજે સરભોણ ઊપડ્યા. તેમનું આગમન જોઈને જુવાનિયાઓએ ધડાંગ ધડાંગ ઢોલ વગાડ્યા, એટલે લાગલાં જ બધાં બારણાં બંધ થયાં. પણ પટેલ બિચારા બચી શકે ? તેને બોલાવવામાં આવ્યા. તેને પૂછવામાં આવ્યું, ‘તમે મહેસૂલ ભર્યું છે ?’ તેણે જવાબ દીધો : ‘ઇનામી જમીનનું મહેસૂલ ભર્યું છે, કારણ બારડોલીથી સરદારના હુકમ નીકળ્યા છે કે એ મહેસૂલ ભરી દેવું.’ તેને કહેવામાં આવ્યું કે બીજી જમીનનું પણ ભરી દે અને બીજાઓને ભરવાનું કહો. ‘એ વાત નકામી છે,’ પટેલે કહ્યું, ‘એ કાંઈ મારાથી કે કોઈથી બને એમ નથી. લોકો મારું સાંભળે એમ નથી. લોકોને ખાલસાની કે બીજા કશાની પડી નથી.’ કલેક્ટરે તેને વધારે ન સતાવતાં બીજે ગામે કૂચ કરી. બીજે દિવસે તલાટીઓની એક સભા બોલાવી અને તેમને કહ્યું કે ગામના નક્શા ઉપર જમીનના એવા અનુકૂળ જથા પાડો કે જે ખરીદનારાઓને આખા જથામાં આપી શકાય. આટલી ફરજ બજાવીને ક્રોધાવિષ્ટ કલેક્ટર સૂરત રવાના થયા. બીજે દિવસે સરકારના માનીતા ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ પત્રમાં તેમણે ઈન્ટરવ્યુ આપી :

“ઘણા ખેડૂતો જમીનમહેસૂલ આપવાને તૈયાર છે, પણ એ લોકોને દુર્ભાગ્યે આગ, રંજાડ અને બહિષ્કારની ધમકી આપવામાં આવે છે. જો ખેડૂત બહારથી આવેલા અને જેમને ગામામાં ઘર નથી અને સીમમાં ખેતર નથી એવા અસહકારીઓએ આપેલી બેવકૂફ સલાહ માને તો આખરે જે નુકસાન વેઠવું પડશે તે આ કમનસીબ ખેડૂતોને જ વેઠવું પડશે. આ અસહકારી નેતાઓની લડતને પરિણામે તાલુકામાં રમખાણ થવાનો દરેક સંભવ રહે છે.”

આના જેવું હડહડતું જુઠાણું અને બદનક્ષી બીજી કઈ હોઈ શકે ? કલેક્ટરને લોકો તો કોઈ મળ્યા નહોતા. પટેલ-તલાટી

૧૦૫