આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 પાકો થાય છે; ઉત્તરનો ભાગ ભાતની ખેતીને માટે સારો છે; પણ પશ્ચિમનો ભાગ જંગલી અને ‘દાદરિયા’ છે, જમીન નબળી છે અને હવાપાણી પણ નબળાં છે. તાલુકાની એકંદર સ્થિતિનો વિચાર કરતાં પડોસના જલાલપુર તાલુકો જેવો એ રસાળ ન કહી શકાય, પણ ક્યારીન પાક અને જરાયત પાક બંને ઠીકઠીક પ્રમાણમાં કરવાની અનુકૂળતાવાળા ગુજરાતના ઘણા ઓછા તાલુકાઓમાં આ એક હશે.

વસ્તી ૮૭,૦૦૦ માણસની છે, અને આમાંનો ઘણો મોટો ભાગ ખેડૂતો છે. આમાં મોટા ભાગની વસ્તી કણબી, અનાવલા, બ્રાહ્મણ, વાણિયા અને કાળીપરજ અથવા રાનીપરજ લોકોની છે. જૂજજાજ પારસી કુટુંબો તાલુકાનાં ગામોમાં પથરાયેલાં છે, અને વસ્તીનો નાનકડો ભાગ મુસલમાનોનો છે. આ બધી કોમની કોમવાર વસ્તીના વિશ્વાસપાત્ર આંકડા સેટલમેંટ રિપોર્ટોમાં મળવા જોઈએ પણ મળતા નથી. પણ ૧૧,૦૦૦ ઉપરાંત વસ્તી રાનીપરજની અને બાકીના ૭૬,૦૦૦ માંથી અર્ધામાં અનાવલા, કણબી, વાણિયા, મુસલમાન વગેરે આવે છે, અને અર્ધા દૂબળા છે એવી લોકિયા ગણત્રી છે. કણબી અને અનાવલા જમીનની માલકી ધરાવનારા અને જાતે ખેતી કરનારા છે; વાણિયાએાના હાથમાં જમીન ઘણી છે, પણ તેઓ જાતે ખેતી કરનારા નથી; રાનીપરજ લોકો, જેમના હાથમાં એકવાર ઘણી જમીન હતી અને જેઓ પૂર્વ ભાગના પહેલા એકલા જ વતની હતા તેઓ ઘણીખરી જમીન ખોઈ બેઠા છે અને ખેતીની મજૂરી કરીને ગુજરાન કરે છે. રાનીપરજ વર્ગમાં ચોધરા, ઢોડિયા અને ગામિત આવી જાય છે. એ ઉપરાંત ખેતીની મજૂરી કરનાર વર્ગમાં દૂબળાઓ તો છે જ, પણ તે છૂટક મજૂરી કરનારા નથી હોતા. તે ઉજળિયાત ‘ધણિયામા’ (શેઠ )નું કરજ કરી, પરણી, તેને ત્યાં કામ કરવા બંધાય છે અને જિંદગીભર એવી અર્ધગુલામીમાં કામ કરે છે; જોકે હવે તેનામાં પણ જાગૃતિ આવી છે, અને દૂબળાની પ્રથા જ આખી તૂટી પડશે કે શું એવો ભય ઘણાને પેઠો છે. મુસલમાનો પણ ખેતી કરનારા છે, જોકે તેમાંના કેટલાક વેપારવણજ કરે છે.