આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 પોલીસની મદદ લે છે અને તેથી આબકારી ખાતાની મદદ લઈને લોકને દબાવવાની કોશિશ કરે છે. એવી સ્થિતિમાં પોલીસને પણ ખાવાપીવાની ચીજોમાં અડચણ નાંખવી યોગ્ય નથી. ભૂખે મરતા લશ્કર સામે લડવું એ ધર્મયુદ્ધ નથી, તેથી મારી કડોદ ગામને સલાહ છે કે એવા કોઈ કાયદા ગામલોકે કર્યા હોય તો પણ હવે તે ફેરવી નાંખજો.

બીજી એક અગત્યની સલાહ આપું છું. જપ્તીનું કામ ચાલતું હોય ત્યારે લોકોનું ટોળું ત્યાં એકઠું ન થાય. સરકારનો ઈરાદો જો મારામારી કરવાનો હોય તો આવી રીતે લોકો ટોળે થવાથી જ તે તેવો ઈરાદો બર લાવી શકશે. તોફાનને ચાળે જો ચડશો તો આપણે પડ્યા સમજજો. આ સરકાર પાસે સૌથી વધારે આસુરી સામગ્રી છે. રાક્ષસી યુદ્ધમાં તો તે એક મિનિટમાં આખા બારડોલીના ભૂકેભૂકા કરી શકે તેમ છે. એ રસ્તે આપણને ચડાવવાનો તે પ્રયત્ન કરે, આપણને કોચવે, લોકો ગાંડાની માફક ટોળે વળે, તેમને ચીડવે અને તેમાંથી કોઈ જુવાનિયાનો મિજાજ જાય કે તરત તે આપણા પર ચડી બેસે. એમ ન થાય એની ખૂબ સાવચેતી રાખજો. તેને તાળાં તોડવા દો, કમાડ ચીરવા દો, સહેલાઈથી લઈ જાય એવી કીમતી ચીજો ઘરમાં ન રાખો, આ બધું કરે તે શાંતિથી કરવા દો અને પાસે કોઈ ઊભા ન રહો.”

કલેક્ટરે જે ‘ઈન્ટરવ્યુ’ આપ્યો હતો તેનો જવાબ આપતાં તેમણે જે ખામોશી પોતાની ભાષામાં વાપરી હતી તેનો ચેપ કોઈને લાગ્યા વિના ન રહે એવી હતી :

“કલેક્ટર સાહેબે જણાવ્યું છે કે બારડોલી તાલુકાના લોકોમાં ઘણા ખેડૂતો પૈસા ભરવા ખુશી છે, પણ એમને મારી નાંખવાનો અને દેવતા મૂકવાનો ડર છે તેથી ભરતા નથી. તેથી હવે હું ગામેગામ પૂછું છું કે કોઈ ને તેવો ભય હોય તો મને કહો. કોઈને રૂપિયા ભરવા હોય અને ડર લાગતો હોય તો તે મારી પાસે આવે, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ, અને કોઈ તમારા પર ઘા કરવા આવશે તો તેને પહેલો મારા માથા પર ઘા કરવા કહીશ. હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી. હું તો સરકારનો ડર છોડી બહાદુર બન્યા છે તેમની સાથે ઊભા રહીને લડવા માગું છું. હું તો ખેડૂતોને કહું છું કે જો જુલમ થયો છે એમ લાગે તો નીડર બનીને પૈસા ભરવાની ના કહો, પણ જો કોઈને એમ લાગતું હોય કે વધારો થયો છે તેમાં ન્યાય છે તો ખુશીથી ભરી દો. જેને ડર હશે તેનું હું રક્ષણ કરીશ, મને તેના ઉપર દયા તો છૂટશે કે આપનાર અને લેનાર તો ઈશ્વર છે, તેનો વિશ્વાસ છોડી તેણે સરકારનો વિશ્વાસ કર્યો.

૧૦૮