આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫ મું
લોઢું અને હથોડો
 


ચોથી બાજુએથી ગાડાંવાળાઓ ઉપર ત્રાસ શરૂ થયો. ૧૯ ગાડાંવાળાઓને સરકારી અમલદારને ગાડાં ન આપવા બદલ સમન મળ્યા અને ગાડાંને નિમિત્તે, શ્રી. રવિશંકર ઉપર પહેલો હાથ નાંખવામાં આવ્યો. વાલોડના વાણિયા સત્યાગ્રહીઓએ ખાલસાનું મંગલમુહૂર્ત કર્યું, શ્રી. રવિશંકરના બલિદાનથી જેલ જવાનું મંગલમુહૂર્ત થયું. શ્રી. રવિશંકરભાઈને કેમ પકડ્યા તેની વીગત તેમણે કોર્ટમાં રજૂ કરેલા બ્યાનમાં સ્પષ્ટ થાય છે :

“આ કામમાં મારી લેખી હકીકત નીચે મુજબ રજૂ કરું છું :

એક ગરીબ ગાડાવાળાને તેની ઈચ્છા વિરુદ્ધ સરકારી કામે વેઠે લઈ જવામાં આવતો હતો. તેને છોડાવવા ગઈ તા. ૧૯ મીએ બપોર પછી ચાર વાગતાંના અરસામાં હું બારડોલીની કચેરીના કંપાઉન્ડમાં ગયો હતો. અને તેને મેં કહ્યું હતું કે તારે જવાની ઈચ્છા ન હોય અને તને મરજી વિરુદ્ધ ડરાવીને લઈ જવામાં આવતો હોય તો તું ડરીશ નહિ અને જઈશ નહિ. આ હકીકત મામલતદારસાહેબે તે જ વખતે મને બોલાવ્યો ત્યારે મેં તેમને કહી હતી. અને તે પછી ગાડાવાળાને પોતાનું ગાડું ખાલી કરી છૂટો થવા જતાં પોલીસે તેના ઉપર જબરદસ્તી કરી છૂટો ન થવા દીધો, એટલે મેં તેને ન જવું હોય તો ગાડું પડતું મૂકી મારી પાછળ ચાલી આવવા કહેલું અને તે પ્રમાણે તે મારી સાથે ચાલી આવ્યો, અને બીજા બે ગાડાંવાળા તેનું જોઈને હિમ્મત કરી ચાલ્યા ગયા.

પ્રાન્ત અમલદાર જેવા મોટા અમલદારના ઉપયોગ માટે મેળવેલાં અને ભરેલાં ગાડાં ધોળે દિવસે કચેરીની અંદર પડ્યાં રહે અને ગરીબડા ગાડાંવાળાએ પોતાનાં ગાડાં ત્યાં પડ્યાં રહેવા દઈ ભાગી જવાની હિમ્મત કરે એ સરકારને વસમું લાગે, અને આજ સુધીથી ચાલતા આવેલા વહીવટ પ્રમાણે સરકારી કામમાં દખલરૂપ ગણાય એ હું સમજી શકું છું; અને સરકારની દૃષ્ટિએ મને દોષિત ગણવામાં આવે તેમાં મને જરાય નવાઈ લાગતી નથી. હું કાયદાની દૃષ્ટિએ દોષિત નથી એવો બચાવ કરવા માગતો નથી. નીતિની દૃષ્ટિએ મેં એ ગરીબ માણસનું રક્ષણ કરી મારો ધર્મ બજાવ્યો છે. પરંતુ ત્યાં નીતિને સ્થાન નથી એવા કાયદાના અમલમાં હું ગુનેગાર છું. એમ માની આપ વિનાસંકોચે મને કાયદામાં મારા ઉપર મૂકવામાં આવેલા આરોપ બદલ વધારેમાં વધારે સજા કરશો એવી મારી વિનંતિ છે.

આપ મારા પોતાના દેશબંધુ છો અને આપને હાથે જ મને સજા થાય એના જેવી આ સત્યાગ્રહની લડતમાં બીજી શુભ શરૂઆત શી હોઈ શકે ?

૧૧૩