આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 

 વૈશાખજેઠના ધોમ ધખતા હતા, એ ધોમમાંથી સરદારને દલીલ મળી રહી. આવતાં વાવાઝોડાં અને વીજળીના કટાકાની સામે તૈયાર રહેવાનું અને ગમે તે કારણે મિજાજ ન ખોવાની શક્તિ કેળવવાનું તો દરેક ભાષણમાં કહેવાનું હોય જ :

“હવે હું આવું કે ન આવું, આપણા ઉપર બિલકુલ આળ ન આવે એટલું સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહિ. ગુસ્સાનું કારણ મળે, તોપણ અત્યારે ખામોશ પકડી જજો. મને કોઈ કહેતું હતું કે ફોજદારસાહેબે કોઈને ગાળ દીધી. હું કહું છું તેમાં તેમનું મોઢું ગંદુ થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તો મને ગાળ દે તોપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. પરિણામે એ પોતે પોતાની ભૂલ સમજી જશે. પોલીસનો કે બીજો કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તોપણ કશું જ ન બોલશો. કોઈ હતાશ ન થશો, પણ સામા હસજો. એ જો તમે શીખશો તો જેમ વરસાદ આવતા પહેલાં વૈશાખજેઠની અકળામણ આવે છે તેવી જ આજની આ અકળામણ બની જશે. તે આવ્યા વિના વૃષ્ટિ સંભવે નહિ. પ્રથમ અંધારું થાય, વાવાઝોડું થાય, કાટકા થાય ત્યારે છેવટે વૃષ્ટિ આવે. દુઃખ સહન કર્યા વિના નિકાલ આવે જ નહિ. અને આ દુઃખ તો આપણે પોતે માગી લીધેલું જ છે. એમાં આપણું શું જવાનું છે ? ક્ષણિક સુખ જતું કરીને આપણે એવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત કરવાના છીએ કે જે લાખો ખરચતાં મળવી દુર્લભ છે. તેજ, બહાદુરી અને તેની સાથે હું માગું છું તેવો વિનય — ખાનદાની — આ કમાણી આપણને અમથી કોઈ દિવસ મળવાની નહોતી, તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતો મેળવે એ જ ઈશ્વર પાસે માગું છું.”

અને છેવટે લોઢું અને હથોડાની ઉપમાને બારડોલીમાં જ્યાંત્યાં પરિચિત કરી મૂકી :

“આ વખતે સરકારનો પિત્તો ઊછળ્યો છે. છોને લોઢું ગરમ થાય, પણ હથોડાને તો ઠંડું જ રહેવું ઘટે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. તમે ઠંડા જ પડી રહો. કયું લોખંડ ગરમ થયા પછી ઠંડું નથી થતું ? કોઈ પણ રાજ્ય પ્રજા ઉપર ગમે તેટલું ગરમ થાય તો તેને છેવટે ઠંડું પડ્યા વિના છૂટકો જ નથી. પ્રજાની પૂરતી તૈયારી હોવી જોઈએ.”