આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ધાર્મિકતાનો ધ્વનિ સાંભળ્યો, પણ ભાઈ સન્મુખલાલની પાસેથી તો કદી ન ધારેલી એટલી શાંતિ, નમ્રતા અને છતાં વીરતાથી ઊભરાતું ભાષણ સાંભળ્યું. ટૂંકું અને ટચ ભાષણ; એમાં છાલકાઈ નહોતી, એમાં બડાશ નહોતી, એમાં ઈશ્વરની પાસે નમ્ર માગણી હતી કે કસોટીમાંથી ઊતરવાની તે હિંમત આપે, અને તાલુકાને સરદારની લાજ રાખવાની શક્તિ આપે. ગામડામાં જ ઉછરેલા, ગ્રામ્ય કેળવણી પામેલા પુરુષમાં કેવો ઉદાત્ત સંસ્કાર રહેલો છે તે પણ તેના તત્કાળ કરવામાં આવેલા ભાષણમાં સરસ રીતે જણાઈ આવતું હતું :

“મારા પર ફોજદારી કાયદાની કલમ ૧૮૮ અન્વયે જેલયાત્રાનું તેડું આવ્યું છે. આવાં માન માટે હું મગરૂર છું. મારો અત્યારનો આનંદ શબ્દોમાં વર્ણવવાની મારામાં શક્તિ નથી, એ તો હું નાચું કે એવું કંઈક કરું ત્યારે જ બતાવી શકું. હું પ્રામાણિકપણે માનું છું કે મેં કશો જ ગુનો નથી કર્યો. મેં કોઈ ઉપર અણઘટતું દબાણ કર્યું નથી કે ધમકી આપી નથી. એ વસ્તુ મારા સ્વભાવમાં જ નથી. છતાં તમે જોશો કે કાલે બારડોલી કોર્ટમાં એવું નાટક રજૂ થશે. મારા મુરબ્બીઓ અને સ્નેહીઓ મને આગ્રહ કરી રહ્યા છે કે મારે અદાલતમાં બચાવ કરવો. હું માનું છું કે સો વકીલોને લાવીને ઊભા રાખીશ તોપણ મૅજિસ્ટ્રેટને જે કરવું છે તે જ કરશે. માટે હું એવો બચાવ કરવા હરગિજ તૈયાર નથી, ને મને જે સજા થાય તે વધાવી લેવા માગું છું. હું તાલુકાને અને સરકારને અહીં ઊભા રહીને ખાતરી આપવા માગું છું કે આ વાણિયો બારડોલીનું નામ ડુબાવનારો નથી. જો મને અત્યારે કંઈક સહેજ ગ્લાનિ થતી હોય તો તે એટલી જ કે આવી સરસ લડત જોવાનો મોકો હવે મારી પાસેથી જવાનો. પણ મને તેનો શોચ નથી; હું જેલમહેલમાં બેસી પ્રભુનું સ્મરણ કરીશ, અને તમારી જીતને માટે પ્રાર્થના કરીશ.

સ્નેહી સબંધીઓને હું વીનવી રહ્યો છું કે મારા શરીરને માટે તમે લેશ ચિંતા ન કરશો કે મને આદત નથી ને, જેલમાં મજૂરી કેમ કરીશ. હું તમને ખાતરી આપું છું કે પ્રભુનું સ્મરણ કરીને હું બધી વાતની તાકાત મેળવીશ ને કોઈ જાતની નામોશી માથે લીધા વગર છાતી કાઢીને પાછો તમારી વચ્ચે આવીશ.

આજે જે સાચની લડત ચાલી રહી છે તેમાં વાલોડને મોખરે જોઈ ને મારું હૈયું ફુલાય છે. મારું વાલોડ ! વાલોડને માટે આજે હું

૧૨૪