આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કમાવાના હેતુથી; પણ લડત જાગતાં તેમાંના ઘણા ધંધો છોડીને લડતમાં જોડાયા હતા અને પોતાની વીરતા અને આપભોગની શક્તિનો ગાંધીજીને પરિચય આપ્યો હતો. ૧૯ર૧–૨૨માં સવિનય ભંગનો પ્રથમ પ્રયોગ બારડોલીમાં કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ત્યારે બારડોલીના લોકોનો તેમનો દક્ષિણ આફ્રિકાનો પરિચય પણ ઘણે અંશે તેમાં કારણરૂપ હતો. એ પ્રયોગ તે વેળા કેમ ન થયો તેના કારણમાં અહીં ઊતરવાની જરૂર નથી. પણ એ મહાપ્રયોગને માટે બારડોલી તાલુકો પસંદ કરવામાં આવ્યો હતો એ વાતને કોઈ મિથ્યા કરી શકે એમ નહોતું; અને તે વેળા તે મહાપ્રયોગમાં બારડોલી સાંગોપાંગ ઊતરત કે એ પ્રયોગની નીચે ચૂરાઈ જાત એ કહેવું અશક્ય છે, છતાં તે વેળા કેટલીક તૈયારીની તો બારડોલીને ટેવ પડેલી હતી એ સ્પષ્ટ છે. તે વેળા બધા પટેલોએ રાજીનામાં લખીને ગાંધીજીને આપી રાખ્યાં હતાં, અનેક ગામોમાં ‘રાસ્તી’ (રાષ્ટ્રીય શાળા) ખોલાયેલી હતી, અનેક સ્ત્રીપુરુષોએ લડતમાં સ્વયંસેવક તરીકે પોતાનાં નામ આપ્યાં હતાં, અને ખાદીનો પ્રચાર પણ ઠીક થયો હતો. રાનીપરજ લોકોમાં આત્મશુદ્ધિનો જબરદસ્ત પવન વાયો હતો, અને તેમાંના ઘણાએ દારૂતાડી વગેરે છોડ્યાં હતાં. ગાંધીજીના પકડાયા પછી શ્રી. વલ્લભભાઈએ પોતાના સાથીઓ દ્વારા રચનાત્મક કાર્યક્રમ જોસથી ચાલુ રાખી કોક દિવસ બારડોલીને સત્યાગ્રહને માટે તૈયાર કરવાનાં સ્વપ્નાં સેવ્યાં હતાં. તાલુકાના જુદાજુદા ભાગમાં પાંચ થાણાં સ્થપાયાં હતાં — બારડોલી, સરભોણ, વરાડ, મઢી અને વાંકાનેર અને પાંચે ઠેકાણે કસાયેલા સેવકો આસપાસના વાતાવરણની નિરાશાજનકતાનો વિચાર કર્યા વિના અડંગો નાંખીને પડ્યા હતા. બારડોલીમાં સ્વ. મગનલાલ ગાંધીની દેખરેખ નીચે રાનીપરજ છોકરાઓને વણાટ શીખવવાની શાળા ચાલતી, તેમજ બીજા થાણાં દ્વારા ખાદીની પ્રવૃત્તિ ધીમેધીમે ચાલતી. ‘રાનીપરજ’ નામનો જન્મ ’ર૧ પછી થયેલો. સરકારી દફતરે અને લોકોને મોઢે એ લોકો ‘કાળીપરજ’ તરીકે ચડેલા હતા. ૧૯ર૬ માં એ લોકોની એક પરિષદ ખાનપુર નામના ગામડામાં ભરાઈ ત્યારથી તેમના નામમાં રહેલી કાળી ટીલી ભુંસાઈ,