આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 એ ગાંસડી ઉપર ટાંચ મૂકી, અને ડિરેકેટર ઑફ ઍગ્રિકલ્ચરને લગભગ ૭૩,૦૦૦ જેટલા રૂપિયા ખેડૂતોના મહેસૂલ પેટે જમા કરી દેવાનો હુકમ થયો. ખેડૂતો કયા તે તો કોણ જાણતું હતું ? ખેડૂતોનાં નામ પાછળથી જાણી લેવાય, પણ એ પોણો લાખ જમા થયેલા તો ગણાય ! બંદૂકવાળાઓની બંદૂકનાં લાઈસન્સ, મહેસૂલ ન ભરવા માટે, લઈ લેવામાં આવ્યાં, અને પેન્શનરોને પેન્શન ખોવાની પણ ધમકી મળી. પાછળથી કેળવણીખાતાના અને વૈદકીય ખાતાના અમલદારો મારફત તેમના હાથ નીચેના નોકર એવા ખાતેદારો ઉપર દબાણ કરવામાં આવ્યું હતું.

પણ આટલાં હવાતિયાંથી કમિશનરસાહેબને સંતોષ થાય એમ નહોતું. તેમને એક નવું હથિયાર મળ્યું. દીનશાજી એદલ અહેરામ નામના વયોવૃદ્ધ, ભલા, સમાજસેવારત દાક્તર કમિશનરસાહેબની જાળમાં સપડાયા. એ કેવી રીતે સપડાયા એ તો કહી શકાતું નથી, પણ દાક્તરની સમાજસેવાભાવનાનો કમિશનરે સફળતાથી દુરુપયેાગ કર્યો. ખેડૂતો દુઃખના પાઠ ભણી રહ્યા હતા, સરકાર હઠ ન છોડે તો હજી ખેડૂતોને માટે દુઃખના ડુંગર ઊભા હતા એ વિષે તો કોઈને શંકા જ નહોતી. એટલે આ ગરીબ ખેડૂતની દયાની ખાતર કંઈક કરવાની એમને કમિશનસાહેબ પાસેથી સૂચના મળી હોય તો નવાઈ નહિ. એમણે એક કાગળ વર્તમાનપત્રોને લખ્યો તેમાં બારડોલીના ખેડૂતોને મહેસૂલ ભરી દઈ રાજમાન્ય રીતે ચળવળ ચલાવવાની સૂચના કરી, અને બીજો કાગળ કમિશનરને લખ્યો તેમાં તેમને પૂછ્યું કે આવા અણીના સમયમાં પોતાની સેવા તેઓ કેવી રીતે આપી શકે. આ બે કાગળોની સાથે આપણે સંબંધ નથી. આપણે તો કમિશનરે એ ભલા દાક્તરને ઉપરના કાગળના જવાબમાં જે કાગળ લખ્યો તેની સાથે સંબંધ છે. આ કાગળ દ્વારા કમિશનરે પોતાના હૃદયની વરાળ કાઢી. સત્યાગ્રહની લડત કેવી રીતે ચાલી એ વર્ણવનારા ઇતિહાસમાં આ દાક્તર, કે કમિશનર કે તેના કાગળને આખો ઉતારી જાહેરાત આપવાનું હું પસંદ ન જ કરત. પણ ઘણીવાર નાનકડી બાબત અણધારી રીતે મોટી થઈ પડે છે, અને

૧૩૬