આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧લું
બારડોલી
 


અને તેમને ‘રાનીપરજ’ નું તેમનું સ્થાનસૂચક નામ મળ્યું. ત્યારથી દારૂનિષેધ અને ખાદીપ્રવૃત્તિનું કામ એ લોકોમાં વધતું જ ગયું છે. શ્રી. ચુનીલાલ મહેતા અને તેમનાં પત્ની તો એ લોકોમાં જ દટાઈને બેઠાં હતાં, અને તેમના સહવાસને પરિણામે અનેક ‘કાળીપરજ’ના લોકો ઉજળીપરજ કરતાંયે ચોખ્ખા થઈને બેઠા છે. ભાઈ લક્ષ્મીદાસ પુરુષોત્તમ અને ભાઈ જુગતરામે બારડોલીની ઉદ્યોગશાળામાં કેળવેલા અનેક રાનીપરજ યુવાનો પોતાની કોમની સેવાને માટે તૈયાર થતા ગયા છે. સરભોણ અને વરાડ થાણામાં ધારેલું કામ ન થઈ શક્યું છતાં કાર્યકર્તાઓ તો ત્યાં વળગી જ રહેલા. ભાઈ ઝવેરભાઈ પટેલ વરાડમાં રાષ્ટ્રીય શાળા ચલાવતા, અને એ શાળા ચલાવતાં ચલાવતાં વર્ષમાં ૧૨ લાખ વાર સૂતર કાંતવાનો યજ્ઞ તેમણે પૂરો કરેલો. ભાઈ નરહરિ પરીખ, જેમણે ૧૯ર૬માં શ્રી. જયકરના રિપોર્ટની સારી રીતે ખબર લઈને બારડોલીના ખેડૂતોની ખરી સ્થિતિ ગુજરાતની આગળ મૂકી તેઓ સરભોણ આશ્રમમાં બેસી ‘બેઠા બળવા’ની તૈયારીનાં બીજ રોપવામાં રોકાયા હતા, અને બીજ રોપવામાં તેમણે શ્રી. શંકરલાલ બૅંકર જેવાને પણ એક વર્ષ માટે ત્યાં ખેંચ્યા હતા. આ તૈયારીમાં એકવાર તેમને સાત દિવસના ઉપવાસ કરીને જેમની સેવા કરતા હતા તેમની સામે સત્યાગ્રહ કરવાનો પ્રસંગ આવ્યો હતો. આમ અનેક રીતે કાર્યકર્તાઓ આ લોકોની સાથે પોતાના સંબંધ જાળવી રહ્યા હતા, અને ગાંધીજીએ સત્યાગ્રહને માટે પસંદ કરેલી ભૂમિ બારડોલી હતી એ સ્મરણ લોકોમાં જાગૃત રાખતા હતા.

હવે લોકોનું થોડું સ્વભાવવર્ણન આપવું જરૂર છે, કારણ તેમની કેટલીક ખાસિયતો જાણે તેઓ સત્યાગ્રહને માટે સરજાયા હોય એવી લાગે છે. તાલુકાના કણબીઓમાં લેઉવા, કડવા, મતિયા,ભક્ત પાટીદાર, ચરોતરિયા એવા વિભાગ છે, પણ દરેક કોમનું બંધારણ આજના સુધારાના જમાનામાં પણ એવું ટકી રહ્યું છે કે તેની મારફતે કાંઈ સારું કામ કરાવવાની કોઈનામાં શક્તિ હોય તો કરાવી શકે. બહિષ્કારનું શસ્ત્ર એ લોકોને અજાણ્યું નથી. સમાજની સામા થઈ દુરાચાર કરનારને અને તેના વંશને વર્ષોનાં