આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 તાલુકો સરકારના કબજામાં આવી જશે, અને તેમની છ લાખ રૂ૫રડીના બદલામાં તેઓ ચાહે તો છ અબજ વસૂલ કરી લઈ શકે એમ છે. બારડોલીના લોકો બહાદુર હશે તો આ જમીન જવાથી તેમના પેટમાંનું પાણી હાલવાનું નથી. તેમની મિલકત જશે, પણ દરેક સજ્જન અને સન્નારીને વહાલામાં વહાલી વસ્તુ જે આબરૂ તે તેમણે જાળવી હશે. જેના હૃદયમાં શૌર ભર્યું છે, અને જેના હાથપગમાં કામ કરવાની શક્તિ છે તેને મિલકત ખોવાનો જરાય ડર ન હોવો જોઈએ.

પણ ખાલસાની નોટિસથી ધારેલું કામ — લોકોને ડરાવવાનું કામ — પાર ન પડ્યું એટલે હવે કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું શસ્ત્ર સરકારે ઉપાડ્યું છે. પંજાબમાં માર્શલ લૉ ચાલતો હતો તે વેળા ન્યાયનાં ફારસો થતાં તેવાં ફારસો આજે ચાલી રહ્યાં છે. સરકારી વકીલ આરોપીની ખો ભુલાવી દે એવી સજાની માગણી કરે છે, અને એ કામને માટે ખાસ નિમેલો મૅજિસ્ટ્રેટ તેમની માંગણી વધાવી લઈ ખો ભુલાવી દે એવી સખ્ત કેદની સજા કરે છે, જેમ ખાલસાથી લોકોના ઉપર કશી અસર થતી નથી તેમ મોઢે માગી લીધેલી આ સજાઓની પણ કશી અસર નથી થવાની. સ્વેચ્છાએ ભોગવેલું કષ્ટ કષ્ટ ભોગવનારને કશી હાનિ કરતું નથી.

પણ જે વસ્તુ ખૂંચે છે તે અમલદારોની અપ્રામાણિકતા અને ઉદ્ધતાઈ છે. ઉત્તર વિભાગના કમિશનરે તેમને કાગળ લખનાર એક જણ ઉપર કાગળ લખ્યો છે, જેમાં અપમાનભરેલા કટાક્ષો અને અસત્યો ભર્યાં છે.

આ લડત ખેડાના ચળવળિયાઓએ ઊભી કરી એ કટાક્ષમાં હડહડતું અસત્ય છે. એ લડત શરૂ કરનારા બારડોલીના જ લોકો હતા. હા, તેમણે માત્ર શ્રી. વલ્લભભાઈ પટેલની મદદ અને સલાહ લઈ ને એ લડત ઉઠાવી, અને શ્રી. વલ્લભભાઈને તો હું ધારું છું કે કમિશનર કંઈક ઓળખે છે. કમિશનરે જે અર્થમાં ‘ચળવળિયા’ શબ્દ વાપર્યો છે તે અર્થમાં શ્રી. વલ્લભભાઈને ચળવળિયા કહેવાય કે કેમ તે તો વાચકને વિચારી લેવાનું સોંપું છું.

વળી કમિશનરે પોતાના કાગળમાં સરકારી અમલદારો ઉપર જાસૂસી હલ્લા અને એવા જ અપમાનજનક ત્રાસ વર્તાવવામાં આવે છે એમ જે કહ્યું છે તે પણ જૂઠાણું જ છે.

વળી કાર્યકર્તાઓને ‘બારડોલીના લોકો ઉપર જીવનારા અને તેમને અવળે માર્ગે દોરવનારા ચળવળિયાનું ટોળું’ કહીને વર્ણવવામાં આવ્યા છે. આ અપમાન એવું છે કે વધારે સારા વખતમાં અને પ્રજાને પોતાના બળનું ભાન હોત તો કમિશનરની પાસે જાહેર માફી મગાવવામાં આવે. તેમને હું

૧૪૦