આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯ મું
ગવાઈ રહેલું બારડોલી
 

 હતું, સામાન્યમાં સામાન્ય માણસની બુદ્ધિમાં પણ આખી વસ્તુ પ્રવેશ કરે એવી વાણી અને વિચારની સરળતા હતી. આખા ભાષણનો ધ્વનિ એ હતો કે આજે બારડોલી નીડર બન્યું છે; બે ને બે ચારને બદલે બે ને બે ચૌદ કહેનારા અમલદારો ગમે તેટલા દબાવે, ધમકી આપે, જમીનો લઈ લે, તોપણ પોતાની ટેક છોડવાનું નથી; બારડોલીમાં આજે આબરૂદાર સરકારનું રાજ્ય નથી, પણ ગુંડાઓ અને ચોરલૂંટારાનું રાજ્ય છે એમ જણાવી સરકારની ત્રાસનીતિને તેમણે સરસ રીતે ઉઘાડી પાડી હતી.

સ્વાગતમંડળના અધ્યક્ષે દીનભાવે સરકારને સૂચના કરી હતી કે તે મૂંગા બળદ જેવા ખેડૂતો ઉપર રહેમથી વર્તે. શ્રી. વલ્લભભાઈ એ એ દીનતાને ખંખેરી નાંખવાનું કહ્યું અને જણાવ્યું કે ખેડૂત દયાપાત્ર પશુ નથી, પણ વીર પુરુષ છે; ખેડૂતના ઉપર સૌનો, સરકારનો સુદ્ધાં આધાર છે; અને એ ખેડૂતને ન્યાય આપ્યા વિના સરકારનો આરો નથી, ન ન્યાય આપે તો સરકારનું રાજ્ય રોળાવાનું છે.

આ પરિષદ બારડોલીમાં જે ચાલી રહ્યું હતું તેનું પ્રતિબિંબ હતી. બારડોલીમાં જે આપભોગની રેલ ચાલી રહી હતી તેના પ્રવાહમાં અવગાહન કરી પુનિત થવા જાણે લોકો ઊભરાયાં હતા. બહારના તાલુકાના કેટલાય ખેડૂતો જેમણે જિંદગીમાં કદી પરિષદ જોઈ નહોતી તે આ પરિષદમાંથી નવું તેજ અને જોમ લઈને ઘેર પાછા વળ્યા.

આ ચિત્ર છોડી વળી પાછા બારડોલી આવીએ. બારડોલી થાણામાં મહેમાનોની ભરતી ચડ્યા જ કરતી હતી. શીખભાઈઓ, જેમને ‘ગુરુ-કા-બાગ’નાં સ્મરણ તાજાં થતાં હતાં તેમણે ઘણીવાર તાર કરીને પોતાના સ્વયંસેવકો મોકલવાની માગણી કરી હતી, અને શ્રી. વલ્લભભાઈ એ તેનો સાભાર અસ્વીકાર કર્યો હતો. પણ હવે તો સરદાર મંગલસિંગ જાતે બારડોલી આવ્યા અને પંજાબમાં જઈને બારડોલીનાં ગુણગાન કરવા લાગ્યા. પંજાબ પ્રાંતિક સમિતિએ ડા. સત્યપાલને બારડોલીની લડત જોવાને માટે ખાસ મોકલ્યા હતા. તેમણે અનેક ઠેકાણે હરખઘેલાં ભાષણો કર્યાં.

૧૫૩