આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 શેઠ જમનાલાલ બજાજ પોતાને બારડોલીના યાત્રાળુઓમાં ગણીને ધન્ય માનવા લાગ્યા, અને અનેક સભાઓમાં તેમણે કહ્યું, ‘હું તો બારડોલીનો યજ્ઞ જોઈને પુનિત થવા આવ્યો છું.’

મહારાષ્ટ્રથી શ્રી. જોષી અને પાટસ્કર તટસ્થભાવે બધું જોવા આવ્યા. ગાંધીજી કે અસહકારની સાથે તેમને ઝાઝું લાગતુંવળગતું નહોતું, પણ ખેડૂતોને માટે ઉપાડેલી લડત જોવાનો, અને સત્યાગ્રહ કેવી રીતે ચલાવાય છે તે જોવાનો તેમને રસ હતો. બારડોલીથી પાછા વળતાં શ્રી. જોષીએ એક અંગ્રેજ કવિનું પ્રસિદ્ધ વચન ટાંકીને કહ્યું, ‘ઠેકડી કરવા આવ્યા હતા પણ સ્તુતિ કરતા જઈએ છીએ.’

આમ આ બધા મંત્રમુગ્ધ શા સારુ થઈ જતા હતા ? આ અપૂર્વ લડત છે, બારડોલી ધર્મક્ષેત્ર છે એમ સૌ એકેઅવાજે કેમ પોકારતા હતા ?

અનેક વસ્તુઓ હતી. તાલુકામાં સરકારી રાજ્ય રહ્યું નહોતું અને જુદી જ સરકારનું રાજય ચાલતું હતું એ સૌ કોઈને ભાસતું હતું. લડત રાજ્ય સામે નહોતી પણ રાજ્યના સ્થાનિક પ્રતિનિધિઓની સાથેના અસહકારમાંથી આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. સરકારના માણસોને કોઈ સગવડ જોઈએ તો તે બારડોલીના થાણામાં પૂછવા આવે; સરકારને પોતાના તારટપાલ મારફતે સંદેશા પહોંચે તેના કરતાં વધારે જલદી સરદારને પોતાનાં માણસો મારફતે સંદેશા પહોંચે.

લોકો કારાગૃહવાસ ભોગવી સરકારથી આમ સ્વતંત્ર થઈને બેઠા હતા, પણ બારડોલીનાં સવાસો ગામોમાં ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને બીજા ગામમાં શું બનતું હતું તેની ખબર ન હોય. ગામોનું એ સંગઠન પણ બહારથી આવનારાઓને આશ્ચર્ય પમાડે એવું હતું. સત્યાગ્રહીઓમાંથી કેટલાક — સેંકડે એક ટકો જેટલા – પડ્યા હતા ખરા, પણ ઢગલાબંધ ગામો એવા અભેદ્ય દુર્ગ સમાં હતાં કે જેમાંથી એક કાંકરી પણ ખરી નહોતી. ઇસરોલી ગામે દરેકેદરેક ખાતેદારને ખાલસાની નોટિસ મળી હતી. તાલુકાનાં ચાર ગામમાં સરકારે વધારો કર્યો નહોતો તેમાંનું

૧૫૪